Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અમેરિકા : બોંબ સાયક્લોનનો આતંક, લાખો લોકો મુશ્કેલીમાં

અનેક વિસ્તારોમાં ૪૫ સેન્ટીમીટર બરફની થરઃ અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠા પર હાલત કફોડી : સ્કૂલો બંધ : હજારો ફ્લાઇટ રદ : માઇનસ ૪૦ તાપમાન થયું

વોશિંગ્ટન, તા.૫, અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠે બોંબ સાઇક્લોનના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. હિમવર્ષાના કારણે બોંબ વાવાઝોડુ ફુંકાયું છે જેના પરિણામ સ્વરુપે ૧૫થી વધુ લોકોના મોત થયા છે અને ૮૦૦૦૦થી પણ વધુ લોકોના ઘરમાં વિજળી ડુલ થઇ ગઇ છે. બરફના થર ચારેબાજુ જામી ગયા છે. ઇંચમાં બરફના થર જામી ગયા છે. સાક્લોનિક પવનના પરિણામ સ્વરુપે સ્કૂલ અને ઓફિસોને બંધ કરવાની ફરજ પડી છે. હજારો ફ્લાઇટો રદ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન માઇનસ ૪૦ સુધી નીચે પહોંચી ગયું છે. દેશના નેશનલ વેદર સર્વિસ દ્વારા ચેતવણી અપાઈ છે કે, છ કરોડ લોકોને માઠી અસર થઇ છે. કેટલીક જગ્યાએ ૧૧૩ કલાક પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાયો છે. બરફની વર્ષાનો રેકોર્ડ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ન્યુયોર્કથી લાગાર્ડિયા અને કેનેડી એરપોર્ટ તરફ જતા રનવેને બંધ કરવાની ફરજ પડી છે. અમેરિકામાં આવતી ૪૨૦૦ ઇન્ટરનેશનલ અને સ્થાનિક ફ્લાઇટો રદ કરાઈ છે. ૨૨૦૦ ફ્લાઇટો મોડેથી દોડી રહી છે. મોટાભાગના શહેરોમાં સ્કૂલ અને ઓફિસો બંધ રાખવામાં આવી છે. અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫ સેન્ટીમીટર બરફ પડ્યો છે. દિવસમાં પણ ૧૩ ડિગ્રી માઇનસની આસપાસ તાપમાન રહી શકે છે. ગઇકાલે ન્યુયોર્કના અનેક ભાગોમાં નવથી ૧૨ ઇંચ સુધી બરફ જામી ગયો હતો. ફિલાડેલ્ફિયામાં છ ઇંચ, વોશિંગ્ટનમાં એકથી બે ઇંચ બરફ જામી ગયો છે. પોર્ટલેન્ડમાં ૧૦થી ૧૫ ઇંચ બરફ પડ્યો છે. ઝડપી પવનની સાથે સાથે બરફ વર્ષાના કારણે આને બોમ્બ સાયક્લોન નામ અપાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં આઠ ઇંચ બરફ વર્ષા થઇ છે. હાલના દિવસોમાં લોકોની હાલત કફોડી બનેલી છે.

(10:13 pm IST)