Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

હવે સુલાવેસી દ્વીપમાં જવાળામુખી ફાટયો

ઇન્ડોનેશિયામાં સુનામી-ભૂકંપ બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૧૪૦૦ કરતાં વધુ

જાર્કાતા તા.૪: ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં ગયા સપ્તાહે ધરતીકંપ અને સુનામીમાં જાન ગુમાવનારા લોકોની સંખ્યા ૧૪૦૦ કરતાં વધુ થઇ છે. એની વચ્ચે ગઇકાલે સુલાવેસીમાં એક જવાળામુખી ફાટયો હતો, જેની રાખ આકાશમાં ૬૫૦૦ મીટર જેટલી ઊંચે ઊઠી હતી. માઉન્ટ સોપુતન નામનો આ જવાળામુખી ઉત્તરીય સુલાવેસી પ્રાન્તમાં ફાટયો હતો.

સુલાવેસી દ્વીપમાં ગયા શુક્રવારે આવેલા ધરતીકંપ અને સુનામીમાં ભારે પાયમાલી સર્જાઇ હતી. મરનારા લોકની સંખ્યા લગભગ ૧૪૦૭ જેટલી થઇ હતી. મરનારા લોકોનાં શબોને દફનાવવા માટે સામૂહિક કબર ખોદવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ ૫૦૦ શબ દફનાવવામાં આવ્યા છે. સરકારે લગભગ ૧૩૦૦ શબને દફનાવવાની તૈયારી કરવાના આદેશ આપ્યા હતા, જેના પગલે પાલુના પહાડી વિસ્તાર પોબોયામાં ૧૦૦ મીટર લાંબી કબર ખોદવામાં આવી હતી.

મોટી સંખ્યામાં શબો દફનાવી શકાયાં ન હોવાને કારણે એ સડવા લાગ્યાં છે, જેને કારણે બીમારી ફેલાવાનું જોખમ વધી શકે છે. દરમ્યાન યુનાઇટેડ નેશન્સે સ્થિતિને બેહદ ગંભીર ગણાવીને અંદાજે બે લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર હોવાનું જણાવ્યું છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

દરમ્યાન ઘરોમાં ચોરી-લૂંટફાટની ઘટનાઓ બની રહી છે, જેમાં કેટલાક ભૂખ્યા-તરસ્યા લોકો સામેલ છે તો વળી કેટલાંક અસામાજીક તત્વો પણ છે. તેઓ દુકાનો તથા ઘરોમાંથી રોકડ રકમ અને અન્ય મુલ્યવાન ચીજો ચોરી રહ્યા છે.(૧.૩)

 

(11:56 am IST)