Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પાંચમાંથી ત્રણ બાળકોને જન્મ પછી એક કલાકમાં નથી મળતું મમ્મીનું દૂધ

નવી દિલ્હી તા. ૪ :.. વિશ્વમાં ૧ થી ૭ ઓગસ્ટ દરમ્યાન બ્રેસ્ટ ફીડિંગ વીક મનાવવામાં આવે છે ત્યારે બાળકો માટે કામ કરતી સંસ્થા યુનિસેફે બ્રેસ્ટફીડીંગને લઇને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેનાં પરિણામો ચોંકાવનારા છે. માનું દૂધ બાળકો માટે અમૃત સમાન છે, પણ જે મમ્મી બાળકને જન્મના એક કલાકની અંદર સ્તનપાન કરાવતી નથી એવાં બાળકોમાં ગંભીર બીમારી થવા ઉપરાંત મૃત્યુની સંભાવના અનેકગણી વધી જાય છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં પ્રત્યેક પાંચમાંથી ત્રણ નવજાત બાળકોને જન્મના એક કલાકની અંદર માનું દૂધ મળી શકતું નથી. આવા બાળકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં લગભગ ૭ કરોડ ૮૦ લાખ જેટલી છે. ભારતે બ્રેસ્ટફીડીંગના કેસમાં ર૦૦પ થી ર૦૧પ ના સમયગાળામાં ઘણો સુધારો કર્યો છે. અહીં એક કલાકમાં નવજાત બાળકોને સ્તનપાન કરાવવાના આંકડાઓ આ દસ વર્ષમાં બમણા થઇ ગયા છે. ભારતમાં પંચાવન ટકા બાળકોને જન્મથી માંડીને છ મહિના સુધી પર્યાપ્ત રીતે સ્તનપાન કરાવવામાં આવે છે. માના દૂધથી બાળકોના જીવનની સ્વાસ્થ્યપ્રદ શરૂઆત થાય છે. માનું દૂધ દિમાગી વિકાસની સાથે જ બાળકોની વિવિધ રોગ સામે લડવાની પ્રતિકારક શકિતને પણ મજબુત બનાવે છે. બ્રેસ્ટફીડીંગમાં મોડું કરવાથી એની બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડે છે. સ્તનપાનમાં જેટલો વિલંબ થાય એટલો બાળકના જીવન પરનો ખતરો વધુ રહે છે. સ્તનપાનની પ્રેકિટસમાં ફેરફાર કરાયા બાદ એક વર્ષમાં લગભગ પાંચ વર્ષ સુધીની વયનાં આઠ લાખ બાળકોનો જીવ બચાવી શકાય છે. (પ-ર૩)

બાળકોને સ્તનપાન કરાવવાને પડકારરૂપ સમજે છે ૭૦ ટકા ભારતીય મમ્મીઓ

ભારતમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૭૦ ટકા મમ્મીઓને સ્તનપાન કરાવવું પડકારૂપ લાગે છે. મમ્મીઓનું કહેવું હતું કે પ્રવાસમાં, કાર્યના સ્થળે અને સાર્વજનિક સ્થળો પર સ્તનપાન કરાવવામાં સૌથી વધારે તકલીફ પડે છે. આ સિવાય પ્રસુતિના તરત બાદ મમ્મીને સ્તનપાન કેવી રીતે કરાવવું એ આવડતું ન હોવાને કારણે તકલીફ પડે છે.

(3:54 pm IST)