Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અલ્ઝાઇમરના રોગીની દેખરેખ રાખનારને સ્ટ્રેસ રહે છે

ટાઇમ હેલ્થ : જયારે નાન્સી  ડાલી પોતાની સ્વ. માતા જે અલ્ઝાઇમરથી પીડિત હતી, તેની દેખરેખ દરમ્યાન તેને સ્ટ્રેસ એટલો બધો વધી જતો કે ઘણીવાર બાથરૂમમાં પુરાઇને રોયા કરતી. ડાલી નિયમિત રીતે કેલીફોર્નિયાના પોતાના રહેઠાણથી મેરીલેન્ડમાં આવેલા માતાના ઘરે બે વર્ષ સુધી જતી. ૫૯ વર્ષની ડાલી કહે છે, ''જયારે તે મને ન ઓળખતી, ત્યારે મારૂ સમગ્ર બાળપણ ભૂંસાઇ જતું. પણ હું દાંત કચકચાવીને સહન કરી લેતી. તેની સંભાળ લેવી તે મારી ફરજ હતી.''

અલ્ઝાઇમર અથવા ડીમેન્શીયાના રોગથી પીડિત લોકોની દેખરેખ રાખનાર ૧૬ મીલીયન અમેરિકનો માંથી ઘણા લોકોની સ્થિતિ ડાલી જેવી જ છે. કારણ કે આ રોગના પીડિતોને સાચવવું બહું અઘરૂ છે.

એક અભ્યાસ અનુસાર આવનાર ચાર દાયકામાં અલ્ઝાઇમરના રોગીઓની સંખ્યા બમણી થઇ જશે તેવો અંદાજ છે. અભ્યાસ જણાવે છે કે આ રોગના દર્દીઓની સંભાળ રાખનારને શારીરિક, આર્થિક, માનસીક બોજ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.એસોસીએટેડ પ્રેસ દ્વારા ઓકટોબરમાં થયેલા સર્વેમાં ત્રીજા ભાગના દેખરેખ રાખનાર વ્યકિતએ કહયું કે તેમને પોતાની તંદુરસ્તી જાળવવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. અને તેમની પોતાની બિમારી અથવા ઇજા દરમ્યાન ડોકટર પાસે જવાનંુ પણ ટાળવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, ૩૪ ટકા દેખરેખ રાખનાર ૬૫ વર્ષ કે તેથી વધુ વયના છે.

બીજા એક અભ્યાસનું તારણ છે કે બીજા કોઇપણ રોગ કરતા અલ્ઝાઇમરના રોગીની દેખરેખ રાખનારને વધારે સ્ટ્રેસ અને ડીપ્રેશન રહે છે, કારણ કે અલ્ઝાઇમરમાં રોગનું પ્રમાણ વધતું જાય છે, જેના લીધે તેના દર્દીની ૨૪ કલાક દેખરેખ રાખવી જરૂરી  બનતી જાય છે. એલેના ફેઝીઓ નામની હેલ્થ સાયન્ટીસ્ટ એડમીનીસ્ટ્રેટર કહે છે, ''તેમાંથી છટકવાની તક નથી રહેતી કારણ કે અલ્ઝાઇમરના દર્દીઓની વર્તણૂંક વારે ઘડીએ બદલાય છે. તે ગમે ત્યારે ઘરમાંથી નીકળી જાય,અથવા તેમનો મુડ વારે ઘડીએ બદલાય તેવું અવાર નવાર બને છે.''(૧.૧૮)

(ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

(3:18 pm IST)