Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ફ્લોરિડામાં યોગ સ્ટુડિયોમાં ફાયરિંગઃ હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત

હુમલાખોરે સ્વયંને ગોળી મારીને આત્મહત્યા કરી દીધી:મૃત્યુઆંક વધવાની દહેશત

ફલોરિડા: અમેરિકાના ફલોરિડામાં એક યોગ સ્ટુડિયોમાં બંદૂકધારી હુમલાખોરે ફાયરિંગ કરતાં બેનાં મોત થયા હતા જયારે અન્ય પાંચ ઘાયલ થયા હતા. બાદ ફાયરિંગ કરનાર હુમલાખોરે સ્વયંને ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી.

  ફલોરિડાની ફાયરિંગની ઘટનામાં કુલ ત્રણનાં મોત થયા હતા. અહેવાલો મુજબ  ફલોરિડાના કેપિટલ સીટી સ્થિતિ યોગા સ્ટુડિયોમાં હુમલાખોરે એકાએક ફાયરિંગ શરૂ કરી દેતાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયરિંગમાં બેનાં સ્થળ પર મોત થયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલ પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે અને તેથી મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઇ રહી છે.

  તાલાહસીના પોલીસવડા માઇકલ ડેલિયોએ પત્રકારોને જણાવ્યંુ હતું કે હુમલાખોરે યોગ સ્ટુડિયોમાં પ્રવેેશીને ત્યાં હાજર લોકો પર ફાયરિંગ કર્યું હતું અને ત્યાર બાદ તેણે સ્વયં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોર અને મૃતકોની હજુ ઓળખ થઇ શકી નથી એમ પોલીસવડાએ જણાવ્યું હતું. હુમલાખોરે એકલાએ ઘટનાને અંજામ આપ્યો હતો અને પોલીસ અધિકારીઓએ તેની પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી દીધી છે.

(2:50 pm IST)