Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

પાડોશીના ઘરમાં ડોકિયું કરવા જતાં ડોક ફસાઇ ગઇ

લંડન તા. ૩: કહેવાય છે કે એવું કામ કદી ન કરવું જેમાં તમે પકડાઇ જાઓ તો શરમમાં મુકાવું પડે. કોલંબિયાના લા વર્જનિયા શહેરમાં એક મહિલા આવી જ વિચિત્ર અવસ્થામાં પકડાઇ ગઇ હતી. આ બહેનનું નામ તો જાહેર નથી થયું. પરંતુ તસવીરો અને વિડિયો વાઇરલ થયાં છે. વાત એમ હતી કે આ બહેનને પાડોશીના ઘરમાં શું થઇ રહ્યું છે એ જાણવાની ભારે ઉત્સુકતા હતી. પણ તેમણે ઘરમાં શું થઇ રહ્યું છે એ જાણવા માટે પોતાનું માથું ખોટી જગ્યાએ ઘુસાડી દીધું. પાડોશીના ઘરના ગેટ પર લોખંડની જાળી હતી અને બહેને એ જાળીમાં માથું ઘુસાડીને અંદર ડોકિયું કર્યું હતું. જોકે માથું ઘૂસતાં તો ઘૂસી ગયું, પણ પછી પાછું બહાર ન આવી શકયું. કયાંય સુધી પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી, આખરે બહેન રડવા લાગ્યાં. બૂમ પાડીને કોઇને બોલાવવા પણ કઇ રીતે? જોકે બીજા પાડોશીઓ બહેનનો રડવાનો અવાજ સાંભળીને દોડી આવ્યા અને તેમણે પણ માથું છુટું કરવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ ગયો. આખરે ફાયર ફાઇટર્સની ટીમ બોલાવવામાં આવી. તેમણે પણ બને ત્યાં સુધી જાળી ન તોડવી પડે એવો પ્રયત્ન કર્યો. આખરે કુલ પાંચ કલાકની મહેનતે માથું જાળીમાંથી છુટું થયું. ફાયર ફાઇટર્સની ટીમને એ વાતે બહુ હસવું આવડતું હતું કે કોઇકની કુથલી કરવા જઇને ફસાયેલી મહિલા સતત બબડયા કરતી હતી.

(3:06 pm IST)