Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ડોગીની સારવાર કરનાર ડોકટરનો આભાર માનવા આ ભાઈએ ૪૨ કરોડની જાહેરખબર બનાવી

ન્યુયોર્ક,તા.૩: ડોકટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ઈશ્વર અને માતા પછીના વંદનીય વ્યકિત ડોકટર ગણાય છે. અમેરિકાના એક સીઈઓએ તેના ડોગીનો જીવ બચાવનાર ડોકટરનો આભાર માનવા એક જાહેરખબર પાછળ લગભગ ૪૨.૮૩ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા હતા. આ જાહેરખબરનું પ્રસારણ સુપર બોલ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. સુપર બોલ નેશનલ ફુટબોલ લીગની વાર્ષિક ચેમ્પિયનશિપ છે, જે અમેરિકામાં ખૂબ લોકપ્રિય છે.

કાર એકસેસરીઝની ઉત્પાદક કંપની વેદરટેકના સીઈઓના ડોગી સ્કાઉટને લગભગ એક વર્ષ પહેલાં ટ્યુમર હોવાની જાણ થઈ હતી. જોકે સારવાર પછી હવે ડોગી એકદમ સ્વસ્થ છે. સ્કાઉટને બ્લડ વેસલ વોલ્સમાં કેન્સર હતું. એની જાણ થયા પછી યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન સ્કૂલ ઓફ મેડિસિનમાં એની સારવાર કરાવી. અહીં સ્કાઉટને કીમોથેરપી, રેડિયેશન થેરપી અને ઇમ્યુનોથેરપી આપવામાં આવી હતી. હવે એનું ટ્યુમર સારું થઈ ગયું છે.

સ્કાઉટની બીમારી સારી થઈ જતાં ડોકટરની પ્રશંસા કરવા તેમ જ જનાવરોમાં કેન્સર જેવી બીમારી પ્રત્યે જાગરૂકતા લાવવા એક જાહેરખબર બનાવી છે, જેનું સુપર બોલ ટુર્નામેન્ટમાં પ્રસારણ કરીને લોકોને જનાવરો સાથે જોડાયેલી બીમારી સાથે જોડાયેલા રિસર્ચ માટે દાન કરવાની અપીલ કરી છે.

(3:45 pm IST)