Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

એન્ટાર્કટિકામાં બરફની વિશાલ પાટ નીચેથી મળી આવી 460 કી.મી લાંબી નદી

નવી દિલ્હી: પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકાની બરફની વિશાળ પાટ નીચેથી વિશાળ નદી મળી આવી છે.  આ વિશિષ્ટ સંશોધન  બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજ લંડન(આઇ.સી.એલ.)ના વિજ્ઞાનીઓની ટીમે  કર્યું છે.
આઇ.સી.એલ.ના ગ્લેસિયોલોજીસ્ટ (હીમ નદી વિશે સંશોધન  કરતા વિજ્ઞાની) અને આ સંશોધનના  લેખક માર્ટિન સિએગર્ટે  તેના સંશોધનપત્રમાં એવો  ઉલ્લેખ કર્યો  છે  કે અમારા સંશોધન  દરમિયાન  એન્ટાર્કટિકાના વેડ્ડેલ સી  નજીકના પરિસરમાં બરફની વિશાળ કદની પાટ  નીચેથી ૪૬૦ કિલોમીટર લાંબી નદી મળી આવી છે. એન્ટાર્કટિકાની બરફની પાટનું કદ જર્મની અને ફ્રાંસના સંયુક્ત વિસ્તાર જેટલું હોવાનો અંદાજ છે.
એન્ટાર્કટિકાના બરફની  પાટ નીચેથી  આટલી વિશાળ  નદી મળવાથી અમને ઘણું આશ્ચર્ય થયું છે.  જોકે હાલ પૃથ્વીના વિરાટ ગોળા પર ક્લાઇમેટ  ચેન્જની જે  ભારે અસર વરતાઇ રહી છે તેને કારણે  વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે  એન્ટાર્કટિકાનો બરફ પણ ઓગળી રહ્યો છે. બરફની પાટ નીચેથી મળેલી ૪૬૦ કિલોમીટર લાંબી નદી આ જ ક્લાઇમેટ ચેન્જનું  પરિણામ હોઇ શકે છે. મહત્વની બાબત તો એ  છે કે  નદીનો પ્રવાહ ઘણો તીવ્ર છે. 
માર્ટિનસિએગર્ટે તેના સંશોધનપત્રમાં  મહત્વનો મુદ્દો રજૂ કરતાં  એમ પણ કહ્યું છે કે અમે થોડાં વરસ અગાઉ એન્ટાર્કટિકાની બરફની વિશાળ પાટ નીચેથી  સરોવરો શોધ્યાં હતાં. તે સમયે અમે એવો  વિચાર કર્યો હતો  કે આવાં સરોવર કદાચ છૂટાંછવાયાં કે થોડાંક  હશે. જોકે હાલના સંશોધન દ્વારા એવું સાબિત થયું  છે કે  વિશાળ બરફીલા એન્ટાર્કટિકા ખંડ નીચે તો જળના વિપુલ  ભંડાર ભરેલા છે અને તે એકબીજા સાથે જોડાયેલા પણ છે.

 

(5:39 pm IST)