Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જિયોલોજિસ્ટ્સની એક નવી ટીમે અત્યાર સુધી છૂપાયેલો મહાદ્વીપ શોધવાનો દાવો કર્યો

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા નેશનલ જ્યોગ્રાફિકના કાર્ટોગ્રાફર્સે દક્ષિણી મહાસાગરને વિશ્વનો પાંચમો મહાસાગર માન્યો હતો. હવે જિયોલોજિસ્ટ્સની એક આંતરરાષ્ટ્રીય ટીમે નવો અને અત્યાર સુધી છૂપાયેલો મહાદ્વીપ શોધવાનો દાવો કર્યો છે. રિસર્ચરોનું માનવું છે કે આઇસલેન્ડની નીચે એક મહાદ્વીપ ડૂબેલો છે, જેને આઇસેલેન્ડિયા નામ આપવામાં આવ્યું છે. આ રિસર્ચ મહત્ત્વનું એટલા માટે છે કેમકે અત્યાર સુધી માનવામાં આવતું હતું કે મહાવિશાળ દ્વીપ પાંગિયા પાંચ કરોડ વર્ષ પહેલા તૂટી ગયો હતો. નવા અભ્યાસથી તે સ્પષ્ટ થઈ જશે કે તે પૂરી રીતે તૂટયો હતો કે નહીં. આ મહાદ્વીપ ગ્રીનલેન્ડથી લઈ યુરોપ સુધી ફેલાયેલો હોવાનું મનાય છે. બ્રિટનની ડરહામ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના જિયોફિઝિક્સના પ્રાધ્યાપક જિલિયન ફાઉલઝરના નેતૃત્વમાં અભ્યાસ કરનારી ટીમનું માનવું છે કે આ મહાદ્વીપ છ લાખ ચોરસ કિ.મી.નો હોઈ શકે છે. તેમા જો બ્રિટનના પશ્ચિમી હિસ્સાને જોડવામાં આવે તો તે દસ લાખ ચોરસ કિ.મી.નો થાય છે. આ અહેવાલ અત્યાર સુધી માનવામાં આવેલી થિયરીને પડકારે છે કે ઉત્તરી એટલાન્ટિક ક્ષેત્રમાં મહાસાગર અને મહાદ્વીપના ક્રસ્ટને લઈને આઇસલેન્ડને બનવાની પ્રક્રિયા સમજવામાં આવી છે. તેના ઉપરાંત ખનીજ અને હાઇડ્રોકાર્બન્સના સ્ત્રોતો અંગે પણ ચર્ચા શરૂ થઈ શકે છે, જે મહાદ્વીપના ક્રસ્ટમાં મળે છે.

 

(5:20 pm IST)