Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

અમેરિકામાં લોકોને વેક્સીન લેવા માટે પુરસ્કારનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: કોઈ પ્રોડક્ટના માર્કેટિંગ માટે તો ઇનામી યોજના રાખવાનું ચલણ ઘણું સામાન્ય છે, પણ અમેરિકામાં વેક્સિન લેવા માટે પણ પુરસ્કારનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે વેક્સિન લેનારા લોકો માટે ૧૧.૬૫ કરોડ ડોલરના પુરસ્કારની રકમ જાહેર કરી છે. જાહેરાતનો મુખ્ય હેતુ આગામી મહિને અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં સંપૂર્ણપણે 'અનલોક' અમલી બને ત્યારે મોટા ભાગના લોકોને વેક્સિનથી સુરક્ષિત કરવાનો છે.

એક અંદાજ પ્રમાણે કેલિફોર્નિયામાં ૧૨ વર્ષ અને એથી વધુ વયના લગભગ ૧.૨ કરોડ લોકોને હજુ વેક્સિન મળી નથી. અત્યાર સુધીમાં કુલ રાજ્યની ૩.૪ કરોડની વસ્તીમાંથી લગભગ ૬૩ ટકાનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે, પણ છેલ્લા કેટલાક સપ્તાહમાં સંક્રમણનો દર તળિયે પહોંચવાથી રસીકરણની પ્રક્રિયા ધીમી પડી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે, વેક્સિન માટે ઇનામ જાહેર કરનારું કેલિફોર્નિયા પહેલું રાજ્ય નથી. હા, તેના ઇનામની રકમ સૌથી મોટી છે અને પ્રથમ ઇનામ સૌથી મોટું ૧૫ લાખ ડોલરનું છે.

(6:21 pm IST)