Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સાઉદીમાં ખોલવામાં આવી મસ્જિદ:બીજી તરફ બાંગ્લાદેશમાં ટ્રેન સેવા ફરીથી શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: રોમાનિયાના વડા પ્રધાન સરકારી ઇમારતમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કર્યા વિના બેઠક યોજી દારૂની પાર્ટી કરી ધુમ્રપાન કરતાં જણાતાં તેમને ૬૦૦ ડોલરનો દંડ ભરવાનો વારો આવ્યો હતો. રોમાનિયન મિડિયામાં તેમના ફોટા પ્રકાશિત થતાં વડા પ્રધાન લુડોવિક ઓરબાને જણાવ્યું હતું કે આ ફોટા ૨૫ મેના રોજ લેવામાં આવ્યા હતા. એ દિવસે મારો જન્મદિવસ હતો. રોમાનિયાના વિદેશ પ્રધાન અને ઇકોનોમી પ્રધાન પણ આ પાર્ટીમાં જોડાયા હતા અને તેમણે કોઇએ માસ્ક પહેર્યા નહોતા. રોમાનિયામાં કોરોનાને કારણે ૧૨૫૯ જણના મોત થયા છે.

બીજી તરફ કાઠમંડુમાં નેપાળ સરકારે લોકડાઉનને ૧૪ જુન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. એક જ દિવસમાં ચેપ લાગવાના કેસની સંખ્યા ૧૮૯ થતાં સરકારે કેબિનેટની મિટિંગ યોજીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો. દરમ્યાન સાઉદી અરેબિયામાં બે મહિના બાદ હજારો મસ્જિદો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદીમાં નમાજ પઢવાની શેતરંજીને, વોશરૂમને અને પવિત્ર કુરાનને સેનિટાઇઝ કર્યા બાદ ૯૦૦૦૦ મસ્જિદોના દરવાજા નવા નિયમો સહ ખોલવામાં આવ્યા છે. નમાજ પઢતી વખતે છ ફૂટનું અંતર જાળવવું પડશે અને સતત માસ્ક પહેરી રાખવો પડશે. પંદર વર્ષથી નાના કિશોરોને અને વૃદ્ધોને મસ્જિદમાં પ્રવેશ કરવા પર પાબંદી છે.

(6:52 pm IST)