Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

યુક્રેનમાં ચમત્કારઃ દારૂડિયા પાડોશીઓએ મરણતોલ મારઝૂડ કરીને દાટી દીધેલી મહિલા જીવતી નીકળી

મોસ્કો તા. ૧ : પૂર્વ યુરોપના યુક્રેનના પોલતોવા પ્રાંતમાં એક ચમત્કારીક ઘટના બની છે. મર્યાન્સ્કે ગામની પ૭ વર્ષની હિલા નીના રૂડચેન્કોને બે પાડોશી છોકરાઓએ દારૂના નશામાં કલાકો સુધી આડેધડ મારઝૂડ કર્યા બાદ કબ્રસ્તાનમાં ખાડો ખોદીને તેને જીવતી જ દફનાવી દીધી હતી, પરંતુ નીના ચમત્કારીક રીતે બચી ગઇ હતી. બે પાડોશી ભાઇઓને ૬ મહિના પહેલાં ગુમ થયેલો તેમનો કૂતરો નીનાએ ચોર્યો હોવાની શંકા હતી.

થોડા દિવસ પહેલાં નીનાના પાડોશમાં રહેતા ઓલેગ અને વ્લાદિમીર નામના ર૭ અને ૩૦ વર્ષના ભાઇઓ તેના ઘરમાં ઘુસી ગયા હતા અને મુક્કા તથા બેઝબોલના બેટ વડે કલાકો સુધી મરણતોલ મારઝૂડ કરી હતી. મારતાં-મારતાં બન્ને તેનું ઘર આપી દેવાની માગણી કરતા હતા. મારઝૂડને કારણે બેભાન થઇ ગયેલી નીનાને એ લોકો નજીકના કબ્રસ્તાનમાં લઇ ગયા હતા અને ત્યાં એ લોકોએ નીનાના ચહેરા પર પાણી છાંટીને તેને જગાડી હતી. ત્યાર પછી બન્નેએ નીનાને તેની પોતાની જ કબર ખોવાનું કહ્યું હતું. નીનાએ જેમ તેમ હાથમાં પાવડો ઉપાડીને ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. ખોદતા-ખોદતાં પેલા બે દારૂડિયા ભાઇઓ કહેતા હતા કે તું તારૂ ઘર અમને નહીં આપે તો અમે તારી બહેનને બાળી નાખીશું ખાડો કેટલો ઉંડો ખોદાયો છે એની એ બન્નેને ખબર નહોતી. પરંતુ બન્નેએ નીનાને કબરમાં સુઇ જવાનું કહ્યું હતું. નીના કબરમાં સુઇ ગયા પછી ઓલેગ અને વ્લાદિમીરે એના પર માટી અને કચરો નાખવા માંડયો હતો. થોડા વખતમાં એ બન્નેના શબ્દો 'હવે તો તે મરી ગઇ હશે' નીનાને સંભળાયા ત્યાર પછી થોડી મીનીટ પસાર થયા બાદ જોર કરીને નીના માટી નીચેથી બહાર નીકળી શકી હતી. યુક્રેનની પોલીસે બન્ને સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે.

(11:37 am IST)