Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અફઘાનિસ્તાનમાં ભૂખમરો વેઠી રહેલ માતા-પિતા સંતાનોને વેચવા માટે બન્યા મજબુર

નવી દિલ્હી  : અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે. ભૂખમરો વેઠી રહેલા મા-બાપ હવે તેમના સંતાનોને વેચી નાખવા મજબૂર બન્યા છે. પશ્વિમ અફઘાનિસ્તાનમાં દર્દનાક દૃશ્યો સર્જાયા છે. ૧૦ વર્ષથી મોટી બાળકીઓને લગ્ન માટે વેચીને મા-બાપ ખોરાકની વ્યવસ્થા કરે છે. પશ્વિમી અફઘાનિસ્તાનમાં એક તરફ દૂકાળની સ્થિતિ છે અને બીજી તરફ યુદ્ધના કારણેબેહાલી છે. તાલિબાની શાસનમાં લોકોને હાડમારી વધી છે. એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અઝીઝ ગૂલ નામની મહિલાના પતિએ તેમની ૧૦ વર્ષની બાળકીને લગ્ન માટે વેચી દીધી હતી. એ રકમમાંથી તે હવે દાણા-પાણીની વ્યવસ્થા કરશે. એક અહેવાલમાં તેના પતિને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બાકીના સભ્યોનો જીવ બચાવવા માટે એકનું બલિદાન આપવું પડે તેમ હતું. એ સિવાય તેના પરિવાર પાસે કોઈ જ વિકલ્પ ન હતો. અફઘાનિસ્તાનમાં આવા બનાવો હવે રોજના થઈ પડયા છે. ખૂબ જ પછાત અને ગરીબ વિસ્તારોમાં તો રીતસર બાળકોને વેચવા માટે બજારો ભરાવા લાગ્યા છે. પૈસા માટે અને ભોજન માટે ટળવળતા લોકો આવા નિર્ણયો લેવા મજબૂર બન્યા છે. એક તરફ તાલિબાનનો ત્રાસ, બીજી તરફ દૂકાળ અને ત્રીજી તરફ કોરોના - અફઘાનિસ્તાનના લોકોની સ્થિતિ દિવસે દિવસે ખૂબ જ દયનીય બની ગઈ છે.

(7:14 pm IST)