Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે શોર્ટસર્કિટના કારણે આગ લાગતા મોટું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે શોર્ટસર્કિટના કારણે કાચા ઘરમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થયુ છે.
 પ્રાપ્ત માહિતી મુજબ મુલ્કાપાડા ગામમાં રહેતા  પાંચિયા ભાઈ કરમાભાઈ વસાવાના ઘરમાં અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ઘર વપરાશના સાધનો તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ સહિત ખાવા-પીવાની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.હાલ રોકડિયા પાકો ખેતરમાંથી ઘરે લાવી ઘરમાં સંગ્રહ કર્યા હતા તે પણ બળીને ખાખ થઇ ગયા છે. પરિવાર પર મોટી આફત આવી પડી છે. કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા મુશ્કિલ પડી રહી છે.અને લોકોનું કહેવું છે કે તંત્ર વહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઇ યોગ્ય વળતર આપે સાથે જ દેડીયાપાડા વિસ્તારમાં ફાયરસેફ્ટીની સુવિધા તાત્કાલીક તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે નહિ તો આવી વારંવારની ઘટનાથી કેટલાય પરિવારો બરબાદ થઈ જશે.
  અગ્નિશામકના સાધનોના અભાવના કારણે આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કાચા ઘર આગ લગતા સ્વાહા થતા હોય છે જેમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.થોડા સમય અગાઉ જ વાડવા ગામે પણ આવી દુર્ઘટના જોવા મળી હતી તેમાં એક દુકાન સહીત ઘર વપરાશનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

(10:37 pm IST)