Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

મારા વિસ્‍તારના અણઉકેલ પ્રશ્નોની વિજયભાઇ રૂપાણી સાથે વિગતવાર ચર્ચા કરી છે, ઝડપથી ઉકેલ આવશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા: ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અચાનક પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મોકલી આપતા ખળભળાટ મચ્યો હતો, તેઓ ઘણા સમયથી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિરોધ કરી રહ્યા હતા.એમણે નર્મદાના 121 ગામોને ઈકો સેન્સિટિવ ઝોન માંથી હટાવવા અથવા કાયદો હળવો કરવા PM મોદીને પણ પત્ર લખ્યો હતો.એ પત્ર બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહતો. હવે સંજોગો પણ એવા બન્યા કે એમણે એ દિવસોમાં રાજીનામુ આપ્યું હતું. જો કે એમણે બીજે દિવસે જ પોતાનું રાજીનામુ પરત ખેંચ્યું હતું.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા રાજીનામા પછી મારા સમર્થનમાં મારા માટે લાગણી ધરાવી ઘણા બધા કાર્યકર્તા મિત્રોએ રાજીનામા આપ્યા છે, તેવા તમામ કાર્યકર્તા મિત્રોએ પોતાના રાજીનામા પાછા ખેંચી લેવા જોઈએ.મેં મારી તબિયતને લઈને રાજીનામું આપ્યું હતું.મેં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી અને બેઠકમાં મેં ઈકો સેન્સેટીવ ઝોનના મુદ્દા, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક યુવાનોને રોજગારી, ભરૂચ જિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન તથા એક્સપ્રેસ-વે જેવા મોટા પ્રોજેક્ટમાં જમીનનું યોગ્ય વળતર આપવા, જંબુસર તથા વાગરાના પીવાના પાણીના પ્રશ્નો અને નર્મદા નહેર આધારિત સિંચાઈના પ્રશ્નોની ચર્ચા કરી હતી.આ ઉપરાંત વાલીયા, ઝઘડિયા, નેત્રંગ તથા નર્મદા જિલ્લાના સિંચાઈથી વંચિત ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા, ઉદ્યોગોમાં રોજગારી અંગેના બધા જ પ્રશ્નોની મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરી હતી.ગણપતભાઈ વસાવા તથા પ્રદીપસિંહ જાડેજા સાથે મેં આ બધા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી છે, બધા જ પ્રશ્નોનું ઝડપથી ઉકેલ આવશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

રાજીનામુ આપ્યા બાદ મનસુખ વસાવાનું આ નિવેદન એ બાબત સાબિત કરે છે કે તેઓ ઉપરના બધા પ્રશ્નો બાબતે વારંવાર સરકારમાં રજૂઆતો કરતા આવ્યા હતા.એ પ્રશ્નોનું નિરાકરણ નહિ આવ્યું હોય એટલે જ એમણે રાજીનામુ આપ્યું હશે, નાદુરસ્ત તબિયત તો માત્ર એક બહાનું હોવું જોઈએ.

(4:43 pm IST)