Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ટ્રાફિક પોલીસ દ્વારા વપરાતા બ્રેથ એનાલાઇઝર કોરોના સ્પ્રેડર બની શકે ?

ટ્રાફિક પોલીસ એક જ બ્રેથ એનાલાયઝરનો ઉપયોગ જુદા જુદા લોકો પર કરતા : જોવા મળી : જેનું નોઝલ લોકોના મોઢામાં મૂકીને તેમને ફુંક મારવા માટે કહેવાય છે

અમદાવાદ તા. ૩૧ : નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૃનો સેવન કરનારા લોકોને પકડવાના ઉત્સાહવમાં શહેર ટ્રાફિક પોલીસ લોકોમાં કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાવી શકે છે. શહેરના ઘણા ચાર રસ્તાઓ અને ચેક પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસ હાથમાં બ્રેથ એનાલાઈઝર સાથે જોવા મળી રહ્યા છે. તેઓ કોઈપણ વ્યકિતને અટકાવે છે અને તેણે દારૃનું સેવન કર્યું છે કે નહીં તે ચેક કરે છે.

 

આ દરમિયાન ટ્રાફિક પોલીસ એક જ બ્રેથ એનાલાયઝરનો ઉપયોગ જુદા જુદા લોકો પર કરતા જોવા મળી. જેનું નોઝલ લોકોના મોઢામાં મૂકીને તેમને ફૂંક મારવા માટે કહેવાય છે. શહેર ટ્રાફિક પોલીસે ૨૪મી ડિસેમ્બરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસોને રોકવા માટે આ પ્રકારની ડ્રાઈવ યોજી હતી. જોકે આ પ્રકારનો પ્રયાસ એક જ દિવસ માટે કરવામાં આવ્યો હતો. ૩૦ અને ૩૧મી ડિસેમ્બર દરમિયાન આ પ્રયાસો દિવસભર ચાલુ રહેશે.

ટ્રાફિક પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, લોકો એક જ બ્રેથએનાલાયઝરના ઉપયોગ સામે વાંધો ઉઠાવે છે. આ મામલો તેવા સમયે સામે આવ્યો છે જયારે કોઈપણ આરોપીનો સૌથી પહેલા કોરોના ટેસ્ટ કરાય છે અને બાદમાં જ ધરપકડ થાય છે. પરંતુ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ સેફટી પ્રોટોકોલનું પાલન કર્યા વિના જ ડ્રાઈવ ચલાવાઈ રહી છે.

જયારે સીનિયર ટ્રાફિક પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, તેમણે દાવો કર્યો કે બ્રેથ એનાલાઈઝર્સને અમુક ચોક્કસ અંતરે રાખીને વાપરવામાં આવી છે. શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક (એડમિન) તેજસ પટેલ કહે છે, આ વખતે અને નોઝલને મોઢામાં નથી મૂકી રહ્યા અને શંકાસ્પદ વ્યકિતને અમુક ચોક્કસ અંતરેથી જ ફૂંક મારવા માટે કહીએ છીએ. જો બ્રેથ એનાલાઈઝર દર્શાવે કે વ્યકિતએ દારૃનું સેવન કર્યુ છે તો અમે તેને બ્લડ ટેસ્ટ માટે મોકલીએ છીએ.

ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કામ માટે પોલીસને સ્ટ્રો આપવાની હતી, જે નોઝલની જગ્યાએ ડિસ્પોઝીબલ તરીકે ઉપયોગ કરી શકાય, પરંતુ આ માટે ફંડ આપવામાં આવ્યું નહોતું, આથી તે નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો.

(10:25 am IST)