Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમનાથના દર્શને પહોંચ્યા

મધ્યાન આરતીનો લાભ પણ લીધો

અમદાવાદ,તા.૩૧ : કચ્છ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અરબી સમુદ્રના તટે બિરાજતા ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ દાદા સમક્ષ શીશ ઝૂકાવી આસ્થાપૂર્વક વંદના કરી હતી. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાની રાષ્ટ્રપતિ સાથે તેમના પરિવારજનોએ પણ પૂજા, અર્ચના,અભિષેક કરી સૌના કલ્યાણ માટે મંગલ પ્રાર્થના કરી હતી. દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓ બીજી વખત ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે સોમનાથ દાદાની મધ્યાહન આરતીનો પણ શ્રધ્ધાપૂર્વક લાભ લીધો હતો. રાષ્ટ્રપતિ સોમનાથ ગોલોકધામ હેલીપેડ આવી પહોંચતા વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ તેઓને આવકારી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યાંથી રાષ્ટ્રપતિ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળે આવી સરદાર સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. અહિં સોમનાથ દાદાના દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ રાષ્ટ્રપતિશ્રીને વંદે માતરમના નારા સાથે આવકાર્યા હતા.

(9:47 pm IST)