Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મહેમદાવાદ પોલીસે બે મૂંગા પશુઓને બોલેરોમાંથી કતલખાને લઇ જતા રંગે હાથે ઝડપ્યા

મહેમદાવાદ:પોલીસે સેવાદળ રોડ પરથી બોલેરો પીકઅપમાંથી બે મુંગા પશુઓને કતલખાને લઈ જતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મૂંગા પશુઓ તથા બોલેરો ગાડી મળી કુલ રૂા. ૪,૨૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે સેવાદળથી સિદ્ઘિવિનાયક તરફના રોડ પરથી બોલેરો મેક્સ પીકઅપ નં. જીજે ૦૭ વાય વાય ૩૪૭૨માં સફેદ કલરની ગાય, કાળા કલરના વાછરડા દયનીય હાલતમાં ભરી બે ઈસમો કતલખાને જનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી બોલેરો પીકઅપ ગાડી આવતા તેની અટકાવી તલાશી લેતા બે મૂંગા પશુ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે પોલેરો ગાડીના ચાલક સહિત બંનેની અટક કરી પૂછપરછ કરતા મોઈન સત્તારભાઈ નબીજીભાઈ મન્સુરી (રે. મહેમદાવાદ ખાત્રજ દરવાજા બહાર) તથા સમીર મહેમુદમીયાં ભુલામીયાં મલેક (રે. મહેમદાવાદ ) હોવાનું જણાવ્યું હતું. જેવી પોલીસે બંનેની અંગ જડતીમાં મોબાઈલ ફોન રૂા. ૫૦૦૦નો તથા બે પશુ રૂા. ૧૬,૦૦૦ તથા બોલેરો ગાડી રૂા. ચાર લાખનો મળી કુલ રૂા. ૪,૨૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:43 pm IST)