Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ન્યૂ યર પાર્ટીમાં ઠંડી બનશે વિલન સ્વેટર પહેરીને જ નાચવું પડશે!

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું મોજું : કચ્છ-સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી

અમદાવાદ તા. ૩૧ : 'ન્યૂ યર'પાર્ટીમાં તમારો ફેવરિટ ડ્રેસ પહેરીને જવાનો પ્લાન બનાવ્યો હોય તો ભૂલી જજો. કારણ કે તમારો ફેવરિટ ડ્રેસ હાડ થીજવતી ઠંડીમાં તમને કામ નહીં આવે. હવામાન વિભાગની વોર્નિંગ મુજબ રાજયમાં હજુ પણ આગામી ૨૪ કલાક સુધી કોલ્ડ વેવ ફૂંકાઈ શકે છે. એવામાં ઠંડીમાં શોર્ટ ડ્રેસ પહેરીને પાર્ટીમાં ઝૂમવાનો પ્લાન બનાવનારા પાર્ટી શોખીનોના દિલ તૂટી જશે. પાછલા થોડા દિવસોથી ઉત્તરથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનોના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. IMDના રિપોર્ટ મુજબ દક્ષિણ ગુજરાતના વડોદરા, વલસાડ, નવસારી અને ઉત્તરમાં કચ્છ જિલ્લામાં ઠંડીનું આ મોજું સોમવારે પણ યથાવત રહેશે. અમદાવાદમાં રવિવારનું તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

જયારે રવિવારે સાઉથ ગુજરાતના જિલ્લાઓ અને કચ્છમાં ભારે ઠંડી જોવા મળી હતી. ગુજરાતના બધા પ્રદેશો તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યની તુલનાએ નીચું જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાત અને રાજયના બાકીના પ્રદેશોમાં પણ તાપમાન સામાન્યની તુલનાથી નીચું જોવા મળ્યું હતું.

રવિવારે ૬.૨ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠુંડું રહ્યું હતું. જયારે અમદવાદમાં સૌથી ૧૧.૪ ડિગ્રી અને ૨૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં રેકોર્ડ બ્રેક ૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે પાછલા ૧૦ વર્ષમાં સૌથી ઓછું છે. જયારે અમરેલીમાં ૯ ડિગ્રી, ભાવનગરમાં ૧૦.૨ ડિગ્રી, ડિસા અને ગાંધીનગરમાં ૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું.(૨૧.૧૦)

(12:02 pm IST)