Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

આજે પ્યાસીઓ અને પોલીસ વચ્ચે ફાઇનલ જંગઃ મહાયુધ્ધ જેવી તૈયારીઓ

હજારો પોલીસ રસ્તા પર - ગુજરાતની બોર્ડરો સીલઃ દારૂડીયાઓને પકડવા ખાસ વાનોઃ બુટલેગરો પણ લડી લેવાના મુડમાં : અનુપસિંહ ગેહલોતે ઇતિહાસમાં પ્રથમ વખત બોર્ડર વીંગ મેદાને ઉતારીઃ અવાવરૂ સ્થળે ફલડ લાઇટો, પુર્વ રણજી ટ્રોફી પ્લેયર ઝડપાયોઃ દારૂના ગૃહ ઉદ્યોગ સમા છારાનગરમાં ઘેર-ઘેર તલાસી

રાજકોટ, તા., ર૯: યુવાનોમાં નવા વર્ષની ઉજવણીના ઉત્સાહનો અતિરેક ન સર્જાય અને ગુજરાતભરમાં દારૂની રેલમછેલ થતી રોકવા માટે ગૃહખાતાનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિતે કોઇ પણ રીતે દારૂ ન ઘુસે તેમજ દારૂ પી અસામાજીક તત્વો છાકડા ન બને તે માટે રાજયભરના પોલીસ તંત્રને આપેલી કડક સુચનાને પગલે રાજય પોલીસ તંત્ર દ્વારા દારૂડીયાઓ અને બુટલેગરો  સામે મહાયુધ્ધના મોરચા જેવી તૈયારીઓ કરી છે.

બીજી તરફ ગુજરાતના દારૂના મોટા બુટલેગરો કે જેઓ ગુજરાતની વિવિધ બોર્ડરો ઉપરથી દારૂ પસાર કરાવી ગુજરાતના વિવિધ શહેર-જીલ્લાઓમાં ઉતારે છે તેઓ દ્વારા હરીયાણા, મહારાષ્ટ્ર વગેરે સ્થળે એડવાન્સ પૈસા અપાઇ ગયા છે. માટે તેઓ ઓછામાં ઓછી ખોટ જાય તે માટે અવનવા રસ્તા અપનાવી રહયા છે. એમ્બ્યુલન્સ, ઘઉંના ગોડાઉનો, દવાના પાર્સલો વિગેરે વચ્ચે જે દારૂ ઘુસાડવામાં આવે છે તે પોલીસે તમામ રણનીતી ભેદી નાખી હોવાથી હવે બુટલેગરો પણ અન્ય રણનીતીમાં કાર્યરત થઇ ગયા છે.

હજારો પોલીસ રસ્તા ઉપર ઉતરી છે ગુજરાતની બોર્ડરો સીલ કરવામાં આવી છે. દારૂ પીધેલાઓને પકડવા માટે ખાસ સાધનો પણ પોલીસે ખાસ ટુકડી સાથે ઉતાર્યા છે. વાહનોની ચકાસણી ચાલી રહી છે. દારૂડીયાઓને પકડવા માટે ખાસ વાહનો રસ્તા પર દારૂડીયાઓને પકડવા માટેના વાનના બોર્ડ સાથે મેદાને છે.

પોલીસના મહાયુધ્ધના મોરચામાં રાજયભરના પોલીસ તંત્ર સાથે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાના માર્ગદર્શનમાં અમદાવાદમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે. બાઇકસ્વારો મેદાને પડયા છે. દારૂના ગૃહઉદ્યોગ જેવા છારા નગર પર એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ડીસીપી નિરજ બડગુજર  ટીમ ખાસ જેકેટ સાથે ઘેર-ઘેર તલાશીઓ આરંભી હતી. સાદા ડ્રેસમાં રહેલા પોલીસ અને અસામાજીક તત્વોને અલગ પાડવા ખાસ જેકેટો અપાયા હતા.

તડામાર તૈયારીઓમાં વડોદરાના પોલીસ કમિશ્નર બે ડગલા આગળ વધ્યા છે. તેઓએ એક સપ્તાહ અગાઉથી જ વડોદરાના તમામ રસ્તાઓ ઉપર રાત-દિવસ ચેકીંગ ચાલુ કરાવ્યું છે. બોર્ડર વીંગના જવાનો પણ ઇતિહાસમાં પ્રથમ વખત મેદાને ઉતાર્યા  છે.  મંજુરી સિવાયના કેટલાક અવાવરૂ સ્થળો ઓળખી પોલીસે પાવરફુલ લાઇટો લગાડી દીધી છે. પોલીસની આ કવાયત દરમિયાન રણજી ટ્રોફીના એક ભુતપુર્વ પ્લેયર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. રણજી ટ્રોફી રમી ચુકેલા ચાવડાની કારમાં પ્રેસ પણ લખેલું હતું.  પોલીસની જીપ સાથે તેણે ગાડી ટકરાવી અને ભાંડો ફુટયો. આમ મહાયુધ્ધના મોરચા જેવી તૈયારીઓ રંગ લાવશે કે કેમ?.(૪.૩)

(12:02 pm IST)