Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સુરત : વિજ કરંટમાં યુવકનું કરૂણ મોત થતાં સનસનાટી

યુવકના મોતને લઇ પરિવારજનોનો હોબાળો : પાંડેસરામાં રાનીસતી ડાઈંગ મિલમાં બની ગયેલ બનાવથી કામદારોમાં આક્રોશ : મોતની ઘટનામાં પોલીસની તપાસ

અમદાવાદ,તા.૩૦ : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વીજકરંટ લાગવાના અને તેના કારણે ગંભીર રીતે દાઝી જવાના અને મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે. આજે પણ પાંડેસરા વિસ્તારમાં વીજકરંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક ગરીબ આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજયું હતુ. પરિવારના આધાર સમા યુવકનું મોત નીપજતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડયું હતું. રોષે ભરાયેલા પરિવારજનો અને સગાઓએ યુવકના મોતના વિરોધમાં ડાઇંગ મીલ અને પોલીસ  સત્તાવાળા સમક્ષ જોરદાર હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ એક તબક્કે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. આ બનાવને પગલે ફરી એકવાર સુરતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં દિનેશ માર્ય(ઉ.વ.૨૮) પરિવાર સાથે રહે છે. અને રાનીસતી ડાઈંગ મીલમાં કામ કરી માતા-પિતા , પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવતો હતો. આજે સવારે મીલમાં કામ કરતા સમયે કલર મિક્ષ કરવાની મોટરમાંથી કરંટ લાગ્યો હતો. જેથી સાથી કામદારો તેને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેરે કર્યો હતો. ઘટનાની જાણ થતા પરિવાર સહિત સમાજના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને લાશ લેવાનો ઈન્કાર કરતા હોબાળો મચી ગયો હતો. કરંટ લાગતા યુવકના મોતની ઘટના બાદ હોબાળો મચી જતા પોલીસ વેસુ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ દોડી આવી હતી. પરિવારજનો મૃતદેહને રોડ પર રાખી મીલના માલિકને લાવવાની માંગ કરી રહ્યા હતા. પોલીસે પરિવાર અને સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મૃતદેહને લઈને પરિવારજનો મીલ પર પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સતી મીલમાં એક જ મહિનામાં પાંચથી છ કર્મીને વીજ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.તો વીજ કરંટ લાગવાની કંપની સત્તાધીશોને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ પગલા ન ભરાતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. કામદારોના આક્રોશ બાદ હવે પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 

(9:30 pm IST)