Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

વકીલોને માંદગી સહાય પેટે ૩૩ લાખની સહાય ચૂકવાશે

ગુજરાત બાર કાઉન્સીલનો મહત્વનો નિર્ણય : બાર કાઉન્સીલના નિર્ણયને લઇ વકીલ આલમમાં રાહતનો દમ : ૩૧ જાન્યુઆરી સુધીમાં રિન્યુઅલ ફી ભરવા સૂચન

અમદાવાદ, તા.૩૦ : ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રાજયના જરૂરિયાતમંદ વકીલોને આંશિક માંદગી સહાય પેટે છેલ્લા બે માસમાં રૂ.૩૩ લાખની આર્થિક સહાય ચૂકવવાનો ગુજરાત બાર કાઉન્સીલે મહત્વનો નિર્ણય કર્યો છે. આજે ગુજરાત બાર કાઉન્સીલની માંદગી સહાય સમિતિના ચેરમેન દિલીપ કે.પટેલ, સભ્ય અનિલ સી.કેલ્લા અને કિશોર આર.ત્રિવેદીના નેજા હેઠળ સમિતિની મહત્વની બેઠક મળી હતી, જેમાં સમગ્ર રાજયના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાંથી જરૂરિયાતમંદ વકીલોની માંદગી સહાય માંગણી કરતી ૬૦થી વધુ અરજીઓ હાથ પર લેવામાં આવી હતી અને તે પેટે આ વકીલોને કુલ રૂ.૧૪ લાખની આર્થિક સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, ૨૦થી વધુ વકીલોને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં વધુ માંદગી સહાય મળી રહે તે માટેની ભલામણ કરાઇ હતી. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની અગાઉની માંદગી સહાયની બેઠકમાં પણ ૮૦ જેટલા વકીલોને કુલ રૂ.૧૯ લાખની માંદગી સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, છેલ્લા બે માસમાં કુલ ૧૪૦ જેટલા વકીલોને રૂ.૩૩ લાખની રકમ માંદગી સહાય પેટે ચૂકવવાનો અગત્યનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ સહાયનું ફંડ અને માંદગી સહાયનું ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવે છે. જેમાં મૃત્યુ સહાયના ફંડમાં વેલ્ફેર ફંડ, મેમ્બરશીપ ફી, રિન્યુઅલ ફી તેમ જ વેલ્ફેર ફંડની ટિકિટ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવે છે, જયારે માંદગીસહાય રૂલ-૪૦ હેઠળની ફી લેવામાં આવે અને તેમાં જરૂરિયાતમંદ વકીલોને આજીવન ત્રણ વખત માંદગી સહાયની રકમ ચૂકવવામાં આવે છે. બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે અને પૂર્વ ચેરમેન અનિલ સી કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે, વેલ્ફેર ફંડની ફી ભરનાર વકીલોને જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાયનો લાભ મળતો હોય છે તેવા સંજોગોમાં ૩૧ જાન્યુઆરી,૨૦૧૯ સુધીમાં રાજયના દરેક વકીલોએ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની જોગવાઇ મુજબ, જરૂરી રિન્યુઅલ ફી ભરી દેવાની રહેશે. જેથી બાર કાઉન્સીલ ભવિષ્યમાં વકીલોના હિતમાં નિર્ણયો લઇ શકે.

(9:32 pm IST)