Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટએ છાટકા તત્વોની ખેર નથી :1000 કેમેરાથી રખાશે બાજ નજર :50 ચેકપોઇન્ટ પર થશે ચેકીંગ

શહેરમાં 1000 બાઈક દ્વારા સતત પેટ્રોલિંગ :ભીડવાળી જગ્યાએ પોલીસની ટીમ રહેશે તૈનાત :અભ્યમ હેલ્પલાઇનની પણ સુવિધા

અમદાવાદ :31મી ડિસેમ્બરએ થર્ટી ફસ્ટના દિવસની ઉજવણી કરવા માટે યુવા હૈયાઓ આતુર હોય છે સાથે દારૂના રસિયાઓ પણ આ દિવસના આડમાં દારૂનું સેવન કરવા અને અસામાજિક પ્રવૃત્તિ કરવા પણ થનગની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ દ્વારા ખાસ સૂચનો આપ્યા હતા.

  જે કે ભટ્ટના જણાવ્યા પ્રમાણે થર્ટી ફસ્ટની ઉજવણી માટે લોકો 31મીની રાત્રે રસ્તા ઉપર ઉતરે છે અને નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે વધાવી લે છે એટલે તમામ લોકોને જણાવાનું છે કે, હર્ષોલ્લાસ સાથે તહેવારો ઉજવીએ અને સાથે સાથે કાયદાનું પણ પાલન કરીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર અને આસપાસ આવેલા ખાનગી પાર્ટીપ્લોટોના માલિકોને ખાસ સુચના આપવામાં આવી છે કે પાર્ટી પ્લોટમાં નશાયુક્ત પદાર્થોનું સેવન ન કરે. આ ઉપરાંત શહેરમાં અસામાજિક તત્વો અને નશાયુક્ત લોકોને પકડવા માટે અમદાવાદ શહેરમાં 1000 કેમેરાથી નજર રાખવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સેક્ટર 1માં 84 અને સેક્ટર-2માં 50 ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 1000 બાઇક દ્વારા શહેરનું પેટ્રોલિંગ કરવામાં આવશે. સંવેદનશીલ જગ્યાઓને પહેલાથી જ ઓળખી લેવામાં આવી છે. જ્યાં વધારે સઘન ચેકિંગ હાથધરાશે. આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યાઓ ઉપર પોલીસની ટીમ તૈનાત રહેશે. મહિલા અને અભિયમ હેલ્પલાઇનની પણ સુવિધાનો લોકો ઉપયોગ કરી શકશે
ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને મહિલા પોલીસ ખાનગી કપડા અને યુનિફોર્મમાં સજ્જ રહેશે. આ ઉપરાંત નશાનું સેવન કરી વાહન ડ્રાઇવ ન કરવા પણ જેકે ભટ્ટે સુચના આપી છે. આ ઉપરાંત કાયદાનું પાલન થાય અને ઉજવણી થાય એ માટે ગુજરાતની જનતાને અપીલ કરી છે. અને ગુજરાતના લોકો આ ઉત્સવને આનંદપૂર્વક ઉજવે એવી અપેક્ષા સેવી હતી.

(9:09 pm IST)