Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

બે દિવસ પૂર્વે PM પર તાડુકનારા શંકરસિંહે અચાનક મોદીનો કેમ માન્યો આભાર?

અમદાવાદ તા. ૩૧ : બે દિવસ પૂર્વ જ પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે પીએમ મોદી લોકોને મુર્ખ બનાવવાનું બંધ કરે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી મેડ ઇન ચાઈના છે. આ અંગે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે આવી પ્રતિમા બનાવીને તમે કોને ખુશ કરવા માંગો છો? આજે વડાપ્રધાન મોદીએ સરદારની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. બાદમાં શંકરસિંહ વાઘેલાએ એક ટ્વિટ કરીને તેમનો આભાર વ્યકત કર્યો હતો. બે દિવસમાં એવું તો શું થયું કે શંકરસિંહે તેમનો આભાર માન્યો? આ માટે એક ખાસ કારણ છે.

શંકરસિંહે પીએમ મોદીનો આભાર માનતા ટ્વિટ કર્યું કે, 'મારા પત્ર બાદ રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા અંગેની દરખાસ્તનો સ્વીકાર કરવા બદલ પીએમ @narendramodi તમારો ખૂબ ખૂબ આભાર. આ રાજવીઓએ તેમના રજવાડાઓ આપીને અંખડ ભારતના સપનાને વધારે મજબૂત કર્યું હતું. મને આશા છે કે તમે રાજવીઓને અને તેમના પરિવારના સભ્યોને દિલ્હી બોલાવીને તેમનું સન્માન કરશો.'

નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલાએ ૨૪મી ઓકટોબરના રોજ વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને અખંડ ભારત માટે પોતાના રજવાડા આપી દેનાર રાજવી પરિવારોના સન્માન માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થળે તેમની યાદમાં કોઈ સ્મારક બનાવવાની માગણી કરી હતી.

મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ભાષણમાં અખંડ ભારત માટે રાજા-રજવાડાઓના ત્યાગ અંગે જણાવતા મોદીએ કહ્યું હતું કે, 'મારી ઈચ્છા છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે જ દેશ માટે રજવાડા છોડનારા રાજા-રજવાડાઓનું એક વર્ચ્યુઅલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવે. કારણ કે આપણે તેમના ત્યાગ અને બલિદાનને ભૂલવા નથી માંગતા. સામાન્ય તાલુકાના એક સભ્યને પણ પદ છોડવું મુશ્કેલ લાગતું હોય તો આ લોકોએ તો તેમના રજવાડા છોડીને બધુ દેશને અર્પણ કરી દીધું હતું.' (૨૧.૨૭)

(4:01 pm IST)