Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો

સોસાયટીનાં પેટા નિયમોનો ભંગ કરી કે NOC વગર જે ઓફિસર BUની પરવાનગી આપશે તેની સામે કાર્યવાહી થશે

સોસાયટીનાં પેટા કાયદા વિરૂધ્ધ અપાયેલી BU પરમીશન સહિતની મંજૂરીઓ ગેરકાયદેઃ જસ્ટીશ પારડીવાળા

રાજકોટ તા. ૩૧ : ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે એક મહત્વનો ચુકાદો આપી કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પેટા નિયમોનો ભંગ કરી બાંધકામ કરનારનું એ ગેરકાયદે બાંધકામ તોડી પડાશે એવુ જણાવ્યું છે એટલું જ નહી સોસાયટીના માન્ય નો ઓબ્જેકશન સર્ટીફીકેટ વિના કોઇ પણ અધિકારી જો બિલ્ડીંગ યુઝ પરમીશન એટલે કે બીયુ અથવા પ્લાનને મંજુરી આપશે તો તેની પણ ખેર નથી. હાઇકોર્ટના આ ચુકાદાથી ગેરકાયદે બાંધકામ કરનાર, આવા બાંધકામને મંજુરી આપનાર વગેરેમાં ફફડાટ ફેલાઇ ગયો હોવાનું જણાવા મળે છે.

રાજ્યના શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં આવેલી હાઉસીંગ સોસાયટીઓમાં પેટા કાયદાઓ અને નિયમોનો ભંગ કરી પોતાની વગનો દુરૂપયોગ કરી મકાનોની જગ્યાએ કોમર્શીયલ બાંધકામ કરનારાઓ સામે પણ હાઇકોર્ટે લાલ આંખ કરી એક ચેતવણીરૂપ ચુકાદો જસ્ટીસ જે.બી.પારડીવાલાએ આપ્યો છ.ે ન્યાયધીશે ફરજમાં ચુક કરનાર ભ્રષ્ટ અધિકારીઓ સામે વ્યકિતગત રીતે તેમને જવાબદાર ગણી તેઓની સામે કોર્ટના આદેશના અનાદરના દોષિત ગણીને કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કોર્ટે એવું પણ જણાવ્યું છે કે ભવિષ્યમાં કયારેય પણ સોસાયટીના માન્ય એનઓસી વગર કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ડયુ પરમીશન આપી દેવાય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટનું કહેવું છે કે આવો આદેશ એટલા માટે આપવો પડે છે કે અનેક શહેરોમાં હાઉસીંગ સોસાયટીઓમાં પેટા કાયદાનો ભંગ કરીને સભ્યો દ્વારા બેફામ ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામો કરવામાં આવી રહ્યા છ.ે જેમાં ઓફીસરોની મીલીભગત પણ હોય છે.

 હાઇકોર્ટે જણાવ્યું છે કે કો ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના કોઇ સભ્યને તેની જમીનનો કોમર્શીયલ હેતુ માટે ઉપયોગ કરવાનો અધિકાર નથી. હાઉસીંગ સોસાયટીમાં રહેણાક સિવાયનું કોમર્શીયલ બાંધકામ થઇ શકે નહીં. એટલું જ નહી સોસાયટીના માન્ય એનઓસી વગર કોઇપણ મહાનગરપાલિકા કે નગરપાલિકા પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્લોન બે બીયુને પરમીશન આપી શકે નહીં. કોર્ટે કહયું છે કે ન્યુ કોર્પો. દ્વારા સોસાયટીનાં બંધારણ વિરૂધ્ધ અપાયેલી મંજૂરી સંપૂર્ણપણે ગેરકાયદેસર કહી શકાય. કોર્ટના આ ચુકાદા બાદ અનેક લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે.

સુરતના એક કેસના સંદર્ભમાં હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ગેરકાયદેસર બંધાયેલ ત્રણ માળના બિલ્ડીંગને એક મહીનામાં પોતાના ખર્ચે તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જો એ બિલ્ડીંગ નહી તોડાય તો કોર્પોરેશન તે તોડી પાડશે અને ખર્ચો મકાન માલિક પાસેથી વસુલવાનો રહેશે.

હાઉસીંગ સોસાયટી તથા સભાસદોને અસર કરતો મહત્વનો ચુકાદો :  ચુકાદાની જોગવાઇઓ આવકાર્ય : સીનીયર એડવોકેટ મહેન્દ્રભાઇ ફડદુ

રાજકોટ, તા. ૩૧ :  હાઉસીંગ સોસાયટીઓને સ્પર્શતા ગુજરાત હાઇકોર્ટે આપેલા મહત્વના એવા ચુકાદાને રાજકોટના સીનીયર સહકારી અને યુવા એડવોકેટ મહેન્દ્રભાઇ ફડદુએ આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે કોઇપણ હાઉસીંગ સોસાયટીએ કોઇપણ પેટા નિયમનો ભંગ થવા દેવો જોઇએ નહીં. એટલું જ નહીં કોઇ સભ્ય આ માટે પ્રયાસ કરે તો તેને અટકાવવા પણ જોઇએ.

એડવોકેટ મહેન્દ્રભાઇ ફડદુએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દર પાંચ વ્યકિતએ એક વ્યકિત હાઉસીંગ સોસાયટી સાથે સંકળાયેલો હોય છે તેથી આ ચુકાદો ઘણો મહત્વનો ગણી શકાય. તેઓનું કહેવું છે કે કોઇ પણ મકાન કે એપાર્ટમેન્ટ ભવિષ્યમાં વારસામાં દેવા માટે બંધાતું હોય છે ત્યારે તે નિયમ મુંબઇ બંધાઇ તે અત્યંત જરૂરી છે.

એડવોકેટ ફડદુએ વધુમાં જણાવે છે કે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે અને પેટા નિયમોને નેવે મુકયા છે તેઓ માટે આ ચુકાદો લાલ બતી સમાન છે. જો કે હાઇકોર્ટના ચુકાદા પછી પણ જે તે બાંધકામને રેગ્યુલરાઇસ કરી શકાતા હોય છે. તેઓએ જણાવ્યું છે કે સામાન્ય રીતે હાઉસીંગ સોસાયટીઓમાં બિનખેતી હુકમના પણ ભંગ થતા હોય છે. સરકારે જે બિનખેતી કરેલ હોય અને જયારે હોદ્દેદારોની મીઠી નજર હેઠળ સભાસદો રહેણાંકને બદલે કોમર્શીયલ ઉપયોગ કરે છે તેવા કિસ્સામાં સોસાયટીના સભાસદો પેટા નિયમ તથા બિનખેતી હુકમ બન્નેનો ભંગ કરે છે. આવા કિસ્સામાં હાઇકોર્ટનો ચુકાદો સભાસદો તથા હોદ્દેદારોમાં ફફડાટ ફેલાવી દેશે તેવું મારૂ માનવું છે.

એડવોકેટ મહેન્દ્રભાઇ ફડદુ એ વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં અંદાજે ૩૭ર, જામનગરમાં ૧ર૦, દ્વારકા-રપ, મોરબી ૧૭, ભાવનગર ૪૪પ, સુ.નગર ૪૦૩, જુનાગઢ ર૩૯, બોટાદ ૪પ, પોરબંદર ૧૦૭, અમરેલી ૮ર તથા કચ્છમાં ૪૪૭ જેટલી હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે.

(3:44 pm IST)