Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સુરતના ચિખલીની સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાતઃ કોલેજના ગ્રાઉન્ડમાં દોડતી વખતે જંગલની આગ તરીકે ઓળખાતી

સુરતઃ ચિખલીમાં આવેલ કોલેજના ગ્રાઉન્ડ પર જ્યારે દોડતી હતી ત્યારે લોકો તેનેજંગલની આગકહી બોલાવતા હતા. ખુલ્લા પગે પણ દોડવામાં ભલભલાને હંફાવી દેતી સરિતા ગાયકવાડ ગુજરાતના સાવ આદિવાસી જીલ્લા તરીકેની છાપ ધરાવતા ડાંગમાંથી આવે છે. જ્યાં હજુ પણ અંતરિયાળ ગામડાઓમાં અનેક માનવ સહજ સુવિધાઓ પૂર્ણરુપે મળતી નથી. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા સુધી સ્કૂલ-કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં પહેલી આવતી સરિતાને ખબર નોહતી કે એક દિવસ તે ભારત માટે સોનેરી દોડ દોડશે.

ઇન્ડોનેશિયા ખાતે રમાઈ રહેલા એશિયન ગેમ્સ 2018માં 4*400 મીટર રીલે રેસમાં ચાર વ્યક્તિની ટીમમાં સરિતા પણ એક મેમ્બર હતી. ડાંગના આહવા નજીક આવેલ કરાડી અમ્બા ગામની સરિતાએ હિમા દાસ, પૂવામા રાજુ અને વિસ્મયા કોરોથ સાથે ગુરુવારે પોતાના અને દેશના નામે એક ગોલ્ડ મેળવ્યો છે. સરિતાએ પોતાની સિદ્ધી અંગે કહ્યું કે, ‘અનેક વર્ષોની મહેતનું આ ફળ છે, પ્રેક્ટિસ દરમિયાન તો મને ઉલ્ટી પણ થઈ હતી જોકે મે હાર માની નહોતી. સ્પોર્ટની દુનિયામા આ મારુ અત્યાર સુધીનું સૌથી મોટું એચિવમેન્ટ છે હવે પછી મારુ લક્ષ્ય ઓલિમ્પિક છે.’

સરિતાના પિતા લક્ષ્મણભાઈ ખેત મજૂર તરીકે કામ કરે છે. ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની સરિતાએ કરાડી અમ્બા ગામ ખાતે પોતાનું પ્રાઇમરી અને ત્યારબાદ નજીકના પિપલખેડ ખાતે સેકન્ડરી અને હાઈર સેક્ન્ડરીનો અભ્યાસ કર્યો છે. ગણપત મહાલ સ્કૂલમાં અભ્યાસ કરતા તેને ખો-ખો માટે કોચે ટ્રેનિંગ આપી હતી.

સરિતાના કોચ જયમલ નાઈકે કહ્યું કે, ‘તે પહેલા ખો-ખો રમતી હતી અને તેની અંદરની ક્ષમતા જોતા અમે હંમેશા તેને રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહિત કરી છે. જરુર પડ્યે નાણાંકીય સહાયતા પણ અમે કરીને તેને એથલેટિક્સ બનવા માટે ટ્રેનિંગ આપી છે. આ મેડલ તેના હક્કનો હતો.’ સ્કૂલ પછી તેના કોચે જ તેને નવસારી નજીક આવેલ ચીખલી ખાતે એમ.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભણવા માટે પ્રોત્સાહિત કરી હતી.

કોલેજના પ્રિન્સિપલ ફાલ્ગુની દેસાઈ યાદ કરતા કહે છે કે, ‘શરુઆતના દિવસોમાં તે ખુલ્લા પગે જ દોડતી હતી. તેનો સ્ટેમિના અને તેનું ઝનૂન જોઈને અને તેને જંગલની આગ કહેતા હતા. જોકે સ્વભાવમાં તે ખૂબ જ નમ્ર અને સાલસ છે. તેમજ તેને મળનાર દરેક વ્યક્તિ તેનાથી પ્રોત્સાહિત થયા વગર ન રહી શકે તેવી છે સરિતા

એશિયાડ ગેમ્સમાં મેડલ મેળવ્યા પછી સુરત ખાતે આવેલ વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે કે સરિતા યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનશે. સરિતાને નાણાંકીય મદદ કરનાર કોલેજના ટ્રસ્ટી દર્શન દેસાઈએ કહ્યું કે, ‘બહુ મોટા દુર્ભાગ્યની વાત તો એ છે કે પહેલા તો નહીં પણ હવે જ્યારે સરિતાએ આંતરરાષ્ટ્રિય સ્તરે પણ દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તેમ છતા ગુજરાત સરકારે હજુ પણ તેને કોઈ નાણાંકિય મદદ કે ઈનામ જાહેર કર્યું નથી. અમને આશા છે કે એશિયન ગેમમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતા રાજ્ય સરકાર એક રમતવીરને યોગ્ય તેનું સન્માન કરશે.’

સરિતાની સિદ્ધિ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુંએશિયન ગેઇમ્સ માં રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી દેશનું જ નહીં ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે.’ ડાંગની આ ફાયર રનર સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંર્તગત 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

(5:46 pm IST)