Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સમૃધ્ધ જીવનના સ્વપ્ન બતાવી લોકો પાસેથી કરોડો રૂપીયા લુંટી વિદેશમાં રોકાણ કર્યાનો ધડાકો

સીઆઇડી વડા આશીષ ભાટીયા ટીમ દ્વારા લેવાયેલ રીમાન્ડમાં ચોંકાવનારા તારણો : પ્રથમ સમૃધ્ધ ફુડ અને ત્યાર બાદ સમૃધ્ધ ઇન્ડીયાના નામે આ-જા-ફસાજા જેવી કંપનીઓ ઉભી કરેલ

રાજકોટ, તા., ૩૧: સમૃધ્ધ ફુડ ઇન્ડીયાના નામે વિવિધ સ્કીમો હેઠળ ૧૬ ટકા સુધીના વ્યાજની લાલચ આપી બેંક વ્યાજ સાવ તળીયે બેસી જતા માત્ર વ્યાજ પર જ જીવન નિર્વાહ કરતા લોકો સહિતના લોકો સાથોસાથ ઉંચા વ્યાજની લાલચમાં ફસાતા લોકોને આકર્ષવા પાછળથી સમૃધ્ધ ફુડને બદલે વ્યાપ વધારી સમૃધ્ધ ઇન્ડીયા નામકરણ કરી લોકો સાથે અંદાજે પ૦૦ કરોડની ઠગાઇના આરોપીઓએ સમૃધ્ધ જીવનના નામે લોકો પાસેથી લુંટેલા નાણા વિદેશમાં રોકાણ કર્યાનું સીઆઇડી સુત્રો જણાવે છે.

સીઆઇડી સુત્રોના કથન મુજબ આ ગુન્હામાં નાસતા ફરતા કંપનીના વોન્ટેડ ડાયરેકટર કિશોર પારસવારની સીઆઇડીની આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ધરપકડ કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવી સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં થયેલી પુછપરછમાં અન્યો પણ કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.

સમગ્ર બનાવના મૂળમાં જઇએ તો આ કંપની પુનામાં રહેતા મહેશ કિશન મોનવરે એન્ડ કંપની દ્વારા લોકોને ફસાવા માટે ખાસ ઉભી કરી હતી. પુનાની આ કંપનીએ ગુજરાતમાં વિવિધ સ્તરોએ આ-જા-ફસાજા જેવી આ કંપનીનો વ્યાપ વધારવા અને લોકોને શીશામાં ઉતારવા એજન્ટોની ફોજ મેદાને ઉતારી હતી. રોકાણકારો પણ લાલચમાં આવી મોટા વ્યાજની લાલચમાં આવી કૌંભાડી કંપનીમાં ૪૦૦ થી પ૦૦ કરોડ રોકી નાખ્યા હતા. વડોદરાનો એક શખ્સ કે જે આ ઠગાઇનો ભોગ બનેલ તેણે વડોદરામાં ફરીયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા પારખી રાજય સરકારે આ ગુન્હાની તપાસ તલસ્પર્શી થાય અને લોકોના નાણા શકય તેટલા પરત મળે તે માટે આવા અનેક અટપટ્ટા ગુન્હાની તપાસ કરી ચુકેલા સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં કરાવતા જ સીઆઇડીની આર્થિક ગુન્હા નિવારણ શાખાએ પર્દાફાશ કર્યો હતો.

સીઆઇડીએ આ મામલામાં જેની ધરપકડ કરી છે તેવા ડાયરેકટર પ્રસાદે આ મહાકૌભાંડના મુખ્ય સુત્રધાર મહેશ માનેવર સાથે મળી લોકોની પરસેવાની કમાણીના કરોડો રૂપીયા યેનકેન પ્રકારે મેળવી લીધા હતા. 

લોકોના પરસેવાના આ નાણા વેડફાઇ નહિ અને ઝીણવટભરી પુછપરછ કરવા માટે સીઆઇડી વડા આશીષ ભાટીયા જાતે તપાસમાં રસ લઇ રહયા છે અને ચોક્કસ પ્રશ્નાવલીઓ પણ સીઆઇડી ટીમને તૈયાર કરી મોકલી આપેલ છે. આમ સીઆઇડી દ્વારા વધુ એક મહાકૌભાંડનો પર્દાફાશ કરતા જ રાજયના પોલીસવડા, ગૃહમંત્રી અને વિવિધ સંસ્થાના તથા વ્યકિતગત રીતે આ સમગ્ર ટીમને અભિનંદન મળી રહયા છે. નાણાના સ્ત્રોત ગોતવા માટે તમામ પ્રયાસો કરાશે.  એમ્બેસી મારફત વિવિધ દેશોનો પણ સંપર્ક કરી કાર્યવાહીમાં કોઇ કચાશ ન રહે તેવુ ખાસ જોવાશે તેમ સીઆઇડી વડા આશીષ ભાટીયાએ અકિલાને જણાવ્યું હતું.

(4:01 pm IST)