Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

જૈન મંદિર વિવાદ મામલે નવા વાડજનાં ભાજપના કાઉન્સિલર ભાવનાબહેન પર હુમલો: ધમકી આપી

ભાવનાબહેનનાં પતિ ચેરમેન હોવાથી મહિલાઓ રજૂઆત કરવા ગયેલ :ત્રણ મહિલાએ ભાવનાબહેનને ઝાપટ મારી

અમદાવાદઃ જૈન મંદિર વિવાદ મામલે નવા વાડજના ભાજપના મહિલા કાઉન્સિલર ભાવનાબેન પર હુમલો થયો છે નવા વાડજનાં કાઉન્સિલર ભાવનાબહેન સાથે ત્રણ દિવસ અગાઉ તેમની જ સોસાયટીની મહિલાઓએ જૈન મંદિરને લઈ તકરાર કરી હતી. ભાવનાબહેનને ઝાપટ મારી 3 મહિલાએ તેમના ચશ્મા તોડી નાખ્યા તેમજ પતિને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ નવા વાડજ વોર્ડમાં આવતા નિર્ણયનગર વિસ્તારની સ્વામિનારાયણ ડ્રી સતાપદી સોસાયટીમાં રહેતાં ભાવનાબહેન હસમુખભાઈ વાઘેલા (ઉં,54) વિસ્તારનાં ભાજપ કાઉન્સિલર (BJP Councillor) છે. ગત મંગળવારે રાત્રે ભાવનાબહેન તેમનાં ઘરે હાજર હતાં. તે સમયે સોસાયટીની 6 મહિલાઓ જૈન મંદિર અંગે રજૂઆત કરવા તેમના ઘરે પહોંચી હતી. ભાવનાબહેનનાં પતિ હસમુખભાઈ સોસાયટીનાં ચેરમેન હોવાથી મહિલાઓ રજૂઆત કરવા આવી હતી.

જો કે હસમુખભાઈ ઘરે ન હોવાથી ભાવનાબહેનએ મારા પતિ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતું. આ મુદ્દે વાતચીત દરમિયાન ત્રણ મહિલાએ ભાવનાબહેન સાથે તકરાર કરી તેમણે ઝાપટ મારી હતી. ભાવનાબહેનનાં ચશ્મા તોડી નાખ્યા અને નખ મારીને તેઓને ઇજા પહોંચાડી હતી. પુત્રી ખુશ્બુએ માતાને બચાવવા પોલીસને જાણ કરતા હુમલાખોર મહિલાઓએ જતા-જતા ભાવનાબહેનને ધમકી આપી કે તને અને તારા પતિને પણ જાનથી મરાવી નાખીશું.

આ અંગે ભાવનાબહેનએ વાડજ પોલીસ સ્ટેશનમાં ધર્મિષ્ઠા સુરેશ પટેલ, યશ વૈભવસિંહ સોલંકી અને ક્રિષ્નાબહેન અરુણ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ભાવનાબહેનની સોસાયટીમાં છેલ્લાં કેટલાંક સમયથી જૈન મંદિરનાં બાંધકામને લઈ વિવાદ શરૂ થયો છે. મંદિરનાં ટ્રસ્ટીઓએ ત્રીજો માળ ચણવાનું શરૂ કરતાં વિવાદ થયો હતો. વાડજ પોલીસે આરોપી મહિલાઓને નોટીસ આપી જવાબ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોવાંથી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.

(8:31 pm IST)