Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આદ્યશકિત પીઠ અંબાજીનો કેન્દ્ર સરકારની પ્રસાદ પરિયોજનામાં સમાવેશ

સોમનાથ-દ્વારિકા બાદ રાજ્યના ત્રીજા યાત્રાધામનો પ્રસાદ પરિયોજના અન્વયે વિકાસ થશે

અમદાવાદ : ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આદ્યશકિત યાત્રાધામ અંબાજીનો ભારત સરકારે ‘પ્રસાદ’ યોજનામાં સમાવેશ કર્યો છેકેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે દેશના વધુ પાંચ તીર્થયાત્રા સ્થાનોનો આ યોજનામાં સમાવેશ કરવા કરેલી જાહેરાતમાં ગુજરાતના અંબાજીને પણ પ્રસાદ યોજના અન્વયે સાંકળી લેવાનો નિર્ણય કર્યો છે.
પ્રસાદ યોજનામાં અગાઉ સમાવિષ્ટ થયેલા સોમનાથ અને દ્વારકા સાથે હવે અંબાજી ગુજરાતનું ત્રીજું યાત્રા પ્રવાસન તીર્થ બન્યું છે જેનો પ્રસાદ યોજના અન્વયે વિકાસ થશે.
ગુજરાત પ્રવાસન નિગમે યાત્રાધામ અંબાજીનો પ્રસાદ પરિયોજનામાં સમાવેશ કરીને પ્રવાસન સુવિધા કેન્દ્ર, કોમ્યુનીટી કિચન, ગબ્બર પગથિયાં નવિનીકરણ જેવી પ્રવાસન-યાત્રી સુવિધાઓ વિકસાવવા ભારત સરકારમાં કરેલી દરખાસ્તનો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે સ્વીકાર કરતાં હવે, અંબાજીને પ્રસાદ પરિયોજનામાં આવરી લેવાશે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, યાત્રાધામ અંબાજીને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રીક સુવિધાઓ માટે ISO 9001 સર્ટીફિકેટ પણ પ્રાપ્ત થયેલું છે.

(7:10 pm IST)