Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

પશુઓની જાહેરમાં કતલ રોકવા, જાહેરનામાનો કડક અમલ કરો

ગુજરાત હાઈકોર્ટનો સરકારને સ્પષ્ટ આદેશ : જાહેરમાં કતલ અને માંસ દાનમાં અપાય છે તથા સંબંધીઓમાં વહેંચવામાં આવે છે : તેનાથી મોટાપાયે ચેપ પ્રસરી શકે છે

રાજકોટ : કોરોનાની મહામારી વચ્ચે બકરી ઈદના તહેવારમાં પશુઓની ગેરકાયદે અને જાહેરમાં થતી કુરબાની કે કતલને અટકાવવાની માંગ સાથે હાઈકોર્ટ સમક્ષ બે જાહેર હિતની અરજી થઈ હતી. જે અરજીમાં રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલે એવુ નિવેદન કર્યુ હતું કે ડીજીપીએ જાહેરમાં પશુઓની કુરબાની પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર કરી દીધો છે અને રાજય સરકાર તે પરિપત્ર અન્વયે યોગ્ય કાર્યવાહી પણ કરી રહી છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજય સરકારને આદેશ કરતા બકરી ઈદ દરમિયાન ગેરકાયદેસર રીતે જાહેરમાં પશુઓની કતલ ન થાય એ માટે કરેલા પરિપત્રની સમગ્ર રાજયમાં કડક અમલવારી કરાવવાનું કહી બંને અરજીનો નિકાલ કર્યો હતો તેમ અમદાવાદના અખબારમાં પ્રસિદ્ધ થયુ છે.

આ સમગ્ર મામલે વડોદરાની સંસ્થા પ્રણીન ફાઉન્ડેશન તરફથી એડવોકેટ શ્રી હર્ષ ખેમકાએ જાહેર હિતની અરજી કરી હતી. તે સિવાય એક અન્ય જાહેર હિતની અરજી પણ કરાઈ હતી. આ બંને રીટમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે ગુજરાતમાં કોરોનાની મહામારી અત્યંત ભયંકર રીતે ફેલાઈ છે. એવા સમયે જો બકરી ઈદના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ મસ્જિદોમાં નમાઝ કરશે અને જાહેરમાં પશુઓની કુરબાની માટે એકત્ર થશે તો કોરોનાનો ચેપ ફેલાઈ શકવાની શકયતા છે. આ દિવસે પશુઓની કતલ અનેક જગ્યાએ જાહેરમાં કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું માંસ દાનમાં અપાય છે. કુટુંબ, મિત્રો અને પાડોશીઓ સાથે વહેંચવામાં પણ આવે છે. આ રીતે પશુઓની કુરબાની બાદ તેના માંસનું મોટાપાયે આદાન પ્રદાન થાય છે અને એ માટે લોકો પણ એકબીજાને મળે છે. દુનિયામાં હજુ સુધી કોરોના વાયરસનો સ્ત્રોત જાણવા મળ્યો નથી અને કેટલીક જગ્યાએ પ્રાણીઓ પણ ચેપગ્રસ્ત થયાનું સામે આવ્યુ છે.

વધુમાં એવી રજૂઆત કરાઈ હતી કે જો કુરબાનીના પશુઓમાં ચેપ હોય તો એ પણ ફેલાઈ શકે છે અને જો કોઈ વ્યકિત ચેપગ્રસ્ત હોય અને એ આ પ્રક્રિયામાં જોડાય તો પણ મોટાપાયે ચેપનું જોખમ છે. આ રીટમાં રાજય સરકારે જવાબ આપ્યો હતો કે તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

(1:00 pm IST)