Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

પોલીસે પાર્સલ ખોલતા અંદરથી ઈંગ્લીશ દારૂની 16 બોટલો મળી !! કુરિયરમાં મોકલેલ કેટલીક બોટલો ફૂટતા બુટલેગરનો ભાંડો ફૂટ્યો

પાર્સલ મોકલનાર અને મંગાવનારનાં નામ ચેક કરતા નરોડાના વિજ્ય ચૌહાણ સામે ગુન્હો

અમદાવાદઃ કોરોના મહામારીમાં ચેકપોસ્ટ પર પોલીસનાં સઘન ચેકીંગ છે ત્યારે ઈંગ્લીશ દારૂ ઘુસાડવા માટે બુટલેગરે કુરિયર પાર્સલમાં દારૂનો જથ્થો મોકલ્યો હતો  જો કે કુરિયર પાર્સલમાં મુકેલી કેટલીક દારૂની બોટલ ફૂટી જતા પોલીસને બાતમી મળી હતી. ગીતામંદિર વિસ્તારમાં આવકાર હોટલની પાછળ આવેલા અંજની કુરિયરમાંથી અંગ્રેજી દારૂ ની 16 બોટલ ભરેલું કુરિયર પાર્સલ ઝડપી લીધું હતું. દારૂનો જથ્થો મંગાવનાર નરોડાનાં વિજય ચૌહાણ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PSI કે.એ.જાડેજા બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન અંજની કુરિયર હાઉસમાં પડેલા પાર્સલમાં કોઈ ગેરકાયદે વસ્તુ હોવાની બાતમી મળી હતી. પોલીસે કુરિયર હાઉસમાં જઈ ત્યાં હાજર વ્યક્તિ મહેન્દ્ર જુંગી સાથે વાતચીત કરી પાર્સલ ચેક કર્યું હતું. પોલીસે પાર્સલ ખોલતા અંદરથી અંગ્રેજી દારૂની 16 બોટલો મળી આવી હતી. જ્યારે પાર્સલમાં મુકેલી કેટલીક બોટલો ફૂટી ગઈ હતી. બોટલો ફૂટી જતાં પાર્સલમાંથી દારૂની સ્મેલ આવી રહી હતી. જેનાં કારણે પોલીસને આ પાર્સલ અંગેની બાતમી મળી હતી.

પોલીસે પાર્સલ મોકલનાર અને મંગાવનારનાં નામ ચેક કરતા તેની પર વિજય ચૌહાણ નામ અને ફોન નંબર લખ્યો હતો. પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે લઈ નરોડાનાં વિજય ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસનાં જણાવ્યાં મુજબ દારૂનો જથ્થો ભરેલું કુરિયર પાર્સલ રાજસ્થાનથી આવ્યું હતું. બુટલેગરોની આ કરામતને પગલે હવે શહેર પોલીસ આવનાર દિવસોમાં ઠેર-ઠેર આવેલી કુરિયર ઓફીસોમાં જઈ પાર્સલો ચેક કરવાનું શરૂ કરે તો નવાઈ નહીં.

(10:32 pm IST)