Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વિકલાંગ માટે આર્ટફિશિયલ લિંબ મેઝરમેન્ટ કેમ્પ યોજાયો

કેમ્પમાં ૬૦થી વધુ વિકલાંગો સહભાગી બન્યાઃ નારાયણ સેવા સંસ્થાન કૃત્રિમ અંગો વિકસાવે છે, કોઈ ચાર્જ વગર વિકલાંગના શરીરમાં સ્થાપિત કરી આપે છે

અમદાવાદ, તા.૩૧ : દેશની જાણીતી સેવાભાવી સંસ્થા નારાયણ સેવા સંસ્થાને આજે અમદાવાદમાં વિકલાંગો માટે આર્ટફિશિયલ લિમ્બ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું. તેનો ઉદ્દેશ કૃત્રિમ અંગોની સાઇઝનું માપ લેવાનો હતો, જે કસ્ટમાઇઝેશન પછી વિકસાવવામાં આવશે અને વિકલાંગ લાભાર્થીઓનાં શરીરમાં સ્થાપિત કરવામાં આવશે. આજના કેમ્પમાં ૬૦ થી વધારે વિકલાંગો કૃત્રિમ અંગો માટેનું માપ આપવા માટે સહભાગી થયાં હતાં. નારાયણ સેવા સંસ્થાન દ્વારા આયોજિત આ કેમ્પમાં પાંચ નિષ્ણાત ડૉક્ટરોની ટીમે લિમ્બ મેઝરમેન્ટની કામગીરી હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ કૃત્રિમ અંગોની વ્યવહારિકતા ચકાસવામાં આવી હતી અને પછી કૃત્રિમ અંગોનાં કસ્માઇઝેશન માટે માપ લીધું હતું. અકસ્માત કે અન્ય રોગોનાં કારણે ઘણાં કિસ્સાઓમાં અનેક લોકો પોતાનું એક યા બીજું અંગ ગુમાવે છે, જેનાં કારણે તેઓ અન્ય લોકો પર નિર્ભર થઈ જાય છે. કૃત્રિમ અંગ તેમની હલનચલન કરવાની પ્રવૃત્તિમાં સુધારો કરવાની સાથે તેમની અંદર આત્મવિશ્વાસ જગાવી તેમને સ્વતંત્ર બનાવવામાં મદદ કરે છે. કૃત્રિમ અંગો તેમની રોજિંદી કામગીરીઓને ઓછી કંટાળાજનક બનાવે છે. કૃત્રિમ અંગો સ્થાપિત થવાથી આ પડકારજનક કે મુશ્કેલ જણાતી પ્રવૃત્તિઓ ઘણી સરળ થઈ જાય છે. આ અંગે નારાયણ સેવા સંસ્થાનનાં પ્રમુખ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે નારાયણ સેવા સંસ્થાનમાં વિકલાંગો અને વંચિત લોકોનાં ઉત્થાન માટે કામ કરીએ છીએ. મોટાભાગનાં કિસ્સાઓમાં વિકલાંગો સારી રીતે ફિટ કૃત્રિમ અંગ સાથે સાધારણ જીવન જીવવા સક્ષમ બને છે. અમે વિકલાંગ લોકોને શારીરિક, સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવીને સમાજનાં મુખ્ય પ્રવાહમાં લાવવા કટિબદ્ધ છીએ. રાજસ્થાનનાં ઉદેપુરથી સંચાલિત નારાયણ સેવા  સંસ્થાને છેલ્લાં ૩૦ વર્ષમાં ૩.૫ લાખથી વધારે દર્દીઓનું ઓપરેશન કર્યું છે. આ ૧૧૦૦ બેડની સુવિધા ધરાવે છે, જે વિકલાંગજનોની સારવાર કરવાની સાથે તેમનું સામાજિક અને આર્થિક પુનર્ગઠન પણ કરે છે. નારાયણ સેવા સંસ્થાન ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, યુક્રેન, અમેરિકા અને બ્રિટનનાં પોલિયો, સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવા), લિમ્ફેટિક ફિલીરિઆસિસનાં દર્દીઓ માટે આશાનું કિરણ છે. રાજસ્થાનનાં ઉદેપુરમાં સ્થિત આ સ્માર્ટ વિલેજ 'બાદી'માં દરરોજ હજારો દર્દીઓની સેવા કરવામાં આવે છે. નારાયણ સેવા સંસ્થાનમાં આવતાં દર્દીઓ માટે શારીરિક, સામાજિક અને આર્થિક પુનર્ગઠન માટે કોઈ કેશ કાઉન્ટર કે પેમેન્ટ ગેટવે નથી એટલે કે તેમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એમ તેમણે ઉમેર્યું હતું.

(10:20 pm IST)