Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સેટેલાઇટ : શોરૂમથી ૭૦૦ બ્રાન્ડેડ ઘડિયાળ ચોરાઈ ગઈ

તસ્કરોએ હાથ સાફ કરી લાખોની મતા ચોરી : અજાણ્યા શખ્સો શો-રૂમમાંથી ૨૫થી વધુ બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ સન ગ્લાસીસ-રોકડ એક લાખની ચોરી કરીને ફરાર

અમદાવાદ, તા.૩૧ : શહેરના પોશ વિસ્તાર અને મોડી રાતે પણ સતત લોકોની સતત અવરજવર રહેતી હોય છે તેવા સેટેલાઈટ વિસ્તારના જોધપુર ચાર રસ્તા પાસે આવેલી ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન નામના શો રૂમમા તસ્કરોએ બહુ બિન્દાસ્ત રીતે હાથ સાફ કરી લાખો રૂપિયાના માલ મતાની ચોરી કરી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. મોડી રાતે તસ્કરોએ શો રૂમમાં પ્રવેશી ૭૦૦ જેટલી બ્રાન્ડેડ ઘડિયાળ(રિસ્ટ વોચ), ૨૫થી વધુ બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ, સન ગ્લાસીસ અને રોકડ રૂ.એક લાખની ચોરીને અંજામ આપ્યો હતો.  સેટેલાઈટ પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવરંગપુરાના મિલાપ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી પાસે ચદરિયા હેન્ડિક્રાફ્ટના નામે દુકાન ધરાવતા પ્રેમલભાઈ શેઠના મુંબઈ ખાતે રહેતા માસા દીપેન મહેતાનો સેટેલાઈટ વિસ્તારના જોધપુર ચાર રસ્તા પાસે અક્ષર કોમ્પ્લેક્સમાં ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન નામનો શો રૂમ આવેલો છે. આ શો રૂમમાં બ્રાન્ડેડ ઘડિયાળો, બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ સનગ્લાસીસ વગેરેનું વેચાણ થાય છે. ગઈકાલે સવારે પ્રેમલભાઈ પર મુંબઈમાં રહેતા તેમના માસા નરેન્દ્રભાઈ મહેતાનો ફોન આવ્યો હતો કે જોધપુર ચાર રસ્તા પાસે અક્ષર કોમ્પ્લેક્સમાં ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન શો રૂમમાં ચોરી થઇ છે. જેથી પ્રેમલભાઈ તાત્કાલિક શો રૂમ પર પહોંચી ગયા હતા. શો રૂમ પર જઈને જોતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. ત્યાં હાજર શો રૂમના સ્ટોર મેનેજર ભાવનાબહેન કડિયાને તેઓએ પૂછતાં જણાવ્યું હતું કે રવિવારે રાતે નવ વાગ્યે શો રૂમ બંધ કરી તેઓ જતા રહ્યાં હતાં. બીજા દિવસે સવારે દસ વાગ્યે આવીને શટર ખોલતાં અંદર શો રૂમના કાઉન્ટર અને રેકમાં રાખેલી ઘડિયાળો, ચશ્માંની ફ્રેમ, મ્યુઝિક સિસ્ટમ અને ગલ્લામાં રહેલા રોકડ રૂપિયા એક લાખ સહિતની મતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. ટાઈટન, એરિસ્ટો, પોલીસ, ટોમી હિલ ફીગર અને જયલસ જેવી બ્રાન્ડની અલગ અલગ ઘડિયાળ,ઈન્ટરનેશલ બ્રાન્ડની ચશ્માંની ફ્રેમ, રેબન કંપનીના અને અન્ય કંપનીઓના સનગ્લાસિસ, મ્યુઝિક સિસ્ટમનું એપ્લિફાયર અને રોકડા રૂપિયા એક લાખ, કોઈ અજાણી વ્યક્તિ શો રૂમમાં પ્રવેશી ચોરી ગઈ હતી. આશરે ૭૦૦ જેટલી બ્રાન્ડેડ ઘડિયાળ તસ્કરો લઇ ગયા હતા. પોલીસને જાણ કરાતાં સેટેલાઈટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અંદાજિત રૂ. દસ લાખથી વધુની કિંમતની ચોરી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તસ્કરોએ દુકાનનું શટર કોઈ ડુપ્લિકેટ ચાવી અથવા તો અન્ય કોઈ સાધન વડે ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. સેટેલાઇટ પોલીસે આ અંગે ગુનો નોંધી શો રૂમના સીસીટીવી તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ શરૂ કરી છે.

(8:03 pm IST)