Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

એસજી હાઇવે : દિવાલો ઉપર 'હવે બંધ'ના લખાણનો વિવાદ

લખાણે ફરી એકવાર શહેરમાં ચર્ચા જગાવી : એપ્રિલ માસમાં હવે બંધનું લખાણ જોવા મળ્યું હતું ત્યારે ફરિયાદ નોંધાઇ હતી : જાહેર મિલ્કતો બગાડવાનો પ્રયાસ

અમદાવાદ,તા. ૩૧ : ગત એપ્રિલ માસમાં એસ.જી હાઈવે પર આવેલા પે એન્ડ યુઝની દીવાલો પર 'હવે બંધ'નું લખાણ લખવામાં આવ્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. હવે ત્રણ મહિના બાદ ફરી એકવાર કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા એસ.જી. હાઇવે પર આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડ અને પે એન્ડ યુઝની દીવાલો પર મોટા અક્ષરોમાં 'હવે બંધ'નું લખાણ લખી જાહેર મિલકતોને ખરાબ કરવાનો હીન પ્રયાસ કરાયો છે, જેને લઇ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા ચાલી છે અને નવો વિવાદ પણ છેડાયો છે. શહેરની સરકારી અને જાહેર મિલકતોને આ પ્રકારે બગાડવાનો હીન પ્રયાસ અને હવે બંધ લખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો કોણ છે તેને પકડીને નશ્યત કરવાની માંગણી પણ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે. એસ.જી. હાઈવે પર આવેલા ઝાયડસ ચાર રસ્તા પાસેના પે એન્ડ યુઝ પર 'હવે બંધ' તેવું લખાણ ગત એપ્રિલ માસમાં લખવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય કેટલીક જગ્યાઓએ પણ લખાણ લખવામાં આવ્યાં હતાં. પે એન્ડ યુઝ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોઈ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ અંગે અજાણી વ્યક્તિ વિરુદ્ધ સાર્વજનિક મિલકતોને નુકસાન અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુના નોંધાયા બાદ પણ ફરી એકવાર એસ.જી. હાઈવે પર જાહેર માલ મિલકત પર 'હવે બંધ'નું લખાણ લખી તેને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એસ.જી હાઇવે પર ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા શૌચાલય, હાઇકોર્ટ એએમટીએસ બસ સ્ટેન્ડ, સોલા ઓવરબ્રિજ, ઝાયડસ ચાર રસ્તા બસ સ્ટેન્ડ,પે એન્ડ યુઝની દીવાલો, હાઈકોર્ટથી પકવાન ચાર રસ્તા સુધીના એએમટીએસના બધાં બસ સ્ટેન્ડ પર 'હવે બંધ'નું લખાણ લખવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી જાહેર મિલક્તોને નુકસાન પહોેંચે તેવું લખાણ લખવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માલ મિલકતોને નુકસાન પહોંચાડે તેવા લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર, સોલા સહિતના પોલીસ સ્ટેશનોમાં ૨૦થી વધુ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે ફરી તે જ દીવાલો પર આ રીતે લખાણ લખવામાં આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પોલીસ ફરિયાદ નોંધાવે છે કે કેમ તેની પર લોકોની નજર કેન્દ્રિત થઇ છે. બીજીબાજુ, શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ શહેરનું આ પ્રકારે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર તોફાની તત્વોને પકડી નશ્યત કરવા માંગણી કરી છે.

(8:03 pm IST)