Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

કેરળમાં સ્થાનિક યાત્રીઓની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો

દર વર્ષે પોણા ત્રણ લાખથી વધુ લોકો કેરળ જાય છે : બેક વોટર્સ, વિવિધ લેન્ડસ્કેપ, ગ્રીન એન્વાયર્નમેન્ટ અને પક્ષીઓનું સૌથી મોટુ સંગ્રહાલય મુખ્ય આકર્ષણના કેન્દ્રો

અમદાવાદ, તા.૩૧ : દેશ-વિદેશના પ્રવાસીઓને પર્યટનની વધુ મોજ, રોમાંચ અને આહ્લાલાદક અનુભૂતિ કરાવવા અને વધુમાં વધુ પર્યટકોને દક્ષિણ ભારતના ફરવાલાયક અને જોવાલાયક અદ્ભુત કેરળ રાજયમાં આકર્ષવાના હેતુસર આજે કેરળ ટુરીઝમ દ્વારા અમદાવાદ શહેરમાં એક અનોખી પાર્ટનરશીપ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટુર્સ - ટ્રાવેલ્સ અને ટુરીઝમ સેકટરના અનેક પ્રતિનિધિઓ અને મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેરળ ટુરીઝમના ડેપ્યુટી ડાયરેકટર કે.રાજકુમારે જણાવ્યું હતું કે, કેરળના પ્રવાસન ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર દેખાવ નોંધાયો છે. ખાસ કરીને પર્યટકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધવા પામી છે. કેરળમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ પર્યટકોની સંખ્યામાં સરેરાશ ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. જેમાં ગુજરાત રાજયમાંથી દર વર્ષે ૨.૪૫ લાખથી વધુ પ્રવાસીઓ ફરવા આવે છે, જયારે દેશભરની વાત કરીએ તો, દેશમાંથી આશરે એક કરોડ,૪૫ લાખથી વધુ પર્યટકો કેરળમાં હરવા-ફરવા માટે આવતા હોય છે. સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવા અને નવી પ્રોડક્ટ તેમ જ અનુભવો આપવા માટે કેરળ સરકાર દ્વારા બ્રાન્ડ ન્યુ ટુરીઝમ પોલિસી તૈયાર કરાઇ છે. ફાર્મ ટુરીઝમ વિકસાવવા માટે ગ્રીન ફાર્મ પોલિસીનો અમલ કરાશે. આ પ્રસંગે કેરળ સરકારના પ્રવાસન મંત્રી કડકામ્પલી સુરેન્દ્રને જણાવ્યું હતું કે, ઉંચા પર્વતો અને ઉઁડી ખીણથી ઉષ્ણ કટિબંધી દરિયાકિનારો અને બેક વોટર્સ સુધીનો કેરળનો ૩૮,૮૬૩ સ્કવેર ફુટ કિ.મીનો વિસ્તાર વિવિધ પ્રકારના લેન્ડસ્કેપ ધરાવે છે જે સંરચના અને સુગંધમાં દેશભરમાં બધાથી અલગ તરી આવે છે અને તેની વિશેષતાઓને લઇ પર્યટકોને આકર્ષે છે. મુન્નારના રોલિંગ ટેકરીઓને ટ્રેક, સાઇકલ, બાઇક મારફતે તેમ જ નીલાકુરીનજીના જાંબલી રંગને શોધવાનો રોમાંચ અનોખો છે કારણ કે, તે દુર્લભ ફુલ ૧૨ વર્ષમાં માત્ર એક જ વખત ખીલે છે. ચેમ્પિયન બોટ લીગની સ્પર્ધા પણ ટુરીસ્ટોનું અનોખુ આકર્ષણ છે. આ સિવાય તાજેતરમાં ઉદ્ઘાનટ કરાયેલું જટાયુ અર્થ સેન્ટર કે જે ૬૫ એકરમાં ફેલાયેલું છે. જટાયુની વિશાળ મૂર્તિ ૨૦૦ ફુટ લાંબી, ૧૫૦ ફુટ પહોળી અને ૭૦ ફુટ ઉંચી છે, જે તેને દુનિયાની સૌથી મોટા ફંકશનલ પક્ષી શિલ્પ તરીકેનું સ્થાન અપાવે છે. દરમ્યાન કેરળના ટુરીઝમ સેક્રેટરી શ્રીમતી રાની જયોર્જ(આઇએએસ)એ જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકો માટે કેરળ આગામી દિવસોમાં ત્રણ દિવસીય બી ટુ બી કાર્યક્રમની ૧૦મી આવૃત્તિ માટે તૈયાર છે.

સ્થાનિક વિકાસની દ્રષ્ટિએ ૨૦૧૭નું વર્ષ કેરળ ટુરીઝ માટે ઐતિહાસિક રહ્યું છે. જેમાં પ્રવાસીઓની સંખ્યા એક કરોડ, ૪૬ લાખ, ૭૩ હજાર, ૫૨૦ને આંબી ગઇ હતી એટલે કે, વાર્ષિક પર્યટકોની સંખ્યામાં સરેરાશ ૧૨ ટકા સુધીનો વધારો નોંધાયો છે. ગત વર્ષે કેરળે ૬ નેશનલ ટુરીઝમ એવોર્ડ જીત્યા હતા. સમગ્ર ભારતમાં હરવા ફરવા અને જોવાલાયક સ્થળ તરીકે કેરળ બેસ્ટ ડેસ્ટીનેશન તરીકે પસંદગી પામ્યુ છે તે અમારા માટે ગૌરવની વાત છે. અમે સ્થાનિક પ્રવાસીઓને વધુ સાધન-સુવિધા અને પર્યટનનો રોમાંચ-આનંદની અનુભૂતિ કરાવવા ઉપરાંત સ્પેશ્યલ પેકેજ અને રાહતો પણ જાહેર કરી છે, જે પ્રવાસીઓ માટે લાભકારક રહેશે.

(7:40 pm IST)