Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવાદના ડો. કિશોર જૈન તેની આસિસ્ટન્ટની ધગશને પારખી ગયા અને અભ્યાસ માટે પૈસા આપ્યાઃ યુવતિઅે પણ તેની ઉપર મુકેલા વિશ્વાસને યથાર્થ ઠેરવ્યોઃ સીઅેની ડિગ્રી હાંસલ કરી

અમદાવાદઃ સોમવારના રોજ જાહેર થયેલા ICAIના પરિણામમાં દિવ્યા પ્રજાપતિ દેશમાં સાતમાં અને અમદાવાદ શહેરમાં ત્રીજા ક્રમાંકે આવી છે. દિવ્યાએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાની સાથે સાથે તેના એમ્પલોયરને પણ આપ્યો. દિવ્યાના પિતા શાકભાજી બજારમાં કામ કરે છે અને નાણાંકીય તંગીને કારણે તેણે CA બનવાનું સપનું પડતુ મુકી દીધુ હતું. પરંતુ તે જ્યાં નોકરી કરે છે તે ડોક્ટરે તેની ધગશને પારખીને તેને આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું અને ભણવા માટે પૈસા પણ આપ્યા.

21 વર્ષીય દિવ્યા પાલડીમાં બાળકોની હોસ્પિટલ ચલાવતા ડોક્ટર કિશોર જૈનના ત્યાં પાર્ટ-ટાઈમ જૉબ કરતી હતી અને સાથે સાથે બી.કોમ પણ કરી રહી હતી. દિવ્યા કહે છે કે, HSC પછી મારે CAનો અભ્યાસ કરવો હતો, પરંતુ તેની ફી ભરવી અમારા માટે શક્ય નહોતી. માટે મેં બી.કોમમાં એડમિશન લીધું અને ખર્ચા પૂરા કરવા માટે હોસ્પિટલમાં જોબ શરુ કરી.

દિવ્યા જણાવે છે કે, મારી બે મોટી બહેનો ગ્રેજ્યુએટ થયેલી છે. મારો નાનો ભાઈ પણ અત્યારે બી.કોમમાં અભ્યાસ કરે છે. મારે કંઈક કરવુ હતું. પરંતુ CAની કોચિંગ ફી હજારોમાં હોય છે અને મારો પરિવાર તે ભરવા સક્ષમ નહોતો. એક દિવસે વાતવાતમાં દિવ્યાએ ડોક્ટર જૈન સમક્ષ પોતાના CA બનવાના સપના વિષે વાત કરી. દિવ્યા કહે છે કે, તેમને મને પ્રોત્સાહન આપ્યું અને ખર્ચાની ચિંતા ન કરવાનું કહ્યું. આજે હું તેમના કારણે અહીં પહોંચી શકી છું.

52 વર્ષીય ડોક્ટર જૈન પાછલા 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. અમારા સહયોગી અમદાવાદમ મિરર સાથેની વાતચીતમાં ડોક્ટર જૈને કહ્યું કે, દિવ્યા પહેલાથી એક હોનહાર વિદ્યાર્થી હતી. મેં તેને માત્ર પ્રોત્સાહન આપ્યું, તેણે પહેલું પગલું ભર્યું અને અમને તેના પર ગર્વ છે. મારા પિતા હંમેશા કહેતા હતા કે ટેલેન્ટ વેડફાવું ન જોઈએ. માટે મેં દિવ્યાને તેનું સપનું સાકાર કરવામાં મદદ કરી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના 3 વિદ્યાર્થીઓ દિવ્યેશ હરપલાણી, લવિના કોટવાણી અને દિવ્યા પ્રજાપતિએ ઓલ ઈન્ડિયા ટોપ-10ના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ પરીક્ષા મે મહિનામાં લેવામાં આવી હતી.

(6:53 pm IST)