Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બનાસકાંઠાના ધાનેરી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની સફાઇ કરાવાઇઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારના ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે સ્કૂલના શિક્ષકો દ્વારા શૌચાલયની સફાઈ કરાવવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓનો આરોપ છે કે, ભણવાના સમયે શાળા દ્વારા બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા પ્રાથમિક શાળાને સફાઈ માટે રૂ. 1800ની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, છતાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શાળાને સફાઈ માટે મળતી ગ્રાન્ટ કોણ ચાઉ કરી જાય છે?

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વિદ્યાર્થીની શૌચાલય સાફ કરવા માટે પાણી ભરીને લાવી રહી છે, જ્યારે બીજી વિદ્યાર્થીની પાણીની ડોલ લઈ હાથમાં સાવરણો લઈ પાણી નાખી સફાઈ કરી રહી છે. પહેલા ટોયલેટની સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ મુતરડીમાં પાણી નાખી તેની સફાઈ કરવામાં આવે છે. આ વીડિયો વાલીઓ પાસે પહોંચતા આખી ઘટના સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શાળામાં બાળકો પાસે સફાઈ, મજૂરીની ઘટનાઓ સામે આવી છે. હમણાં જ ડાંગની એક શાળામાં પણ બાળકો પાસે શૌચાલયની સફાઈની ઘટના સામે આવી હતી, તો અમદાવાદમાં વિદ્યાર્થીઓ પાસે પાવડા વડે કાળી મજૂરી કરાવવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક શાળાને સરકાર દ્વારા સફાઈ માટે, બગીચા માટે તથા વિવિધ કાર્યક્રમો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ કેટલીક શાળાઓ બાળકો પાસે કામ કઢાવી લઈ ગ્રાન્ટના પૈસા ચાઉ કરી જતી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે.

(6:52 pm IST)