Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નવસારી જિલ્લાના ગણદેવીના ધનોરી ગામે બુલેટ ટ્રેન માટે જમીન માપણી કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધઃ વળતર કેટલું મળશે તે નક્કી થયા વગર અમે જમીન માપણી કરવા નહીં દઇઅે

નવસારીઃ બુલેટ ટ્રેન માટેની જમીન સંપાદનની કામગીરી અંતર્ગત આજે મંગળવારે નવસારી જિલ્લાના ગણદેવીના ધનોરી ગામે જમીન માપણી શરૂ થવાની હતી. જોકે, ધનોરી ગામના ખેડૂતોએ બુલેટ ટ્રેન માટે જમી આપવા માટે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે અધિકારીઓ સામે જમીન માપણીનો વિરોધ કર્યો હતો.

ખેડૂતોના વિરોધના પગલે ધનોરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ધનોરી ગામે પહોંચ્યા હતા. ધનોરી ગ્રામ પંચાયતે સ્થાનિક લોકો સાથે સાથે અધિકારીઓનો જમાવડો એકઠો થયો હતો. ગ્રામ લોકોએ અધિકારીઓએ પોતાની વાત મુકી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોએ અધિકારીઓ સામે પોતાની વાત મુકતા કહ્યું હતું કે, પહેલા સરકાર પાસેથી એ નક્કી કરી લાવો કે જમીનના બદલામાં તેમને શું મળશે પછી જ માપણીનું કામ શરૂ કરો. જમીનના બદલામાં કેટલું વળતર મળશે એ નક્કી થયા વગર અમે જમીન માપણી કરવા નહીં દઇએ એવી ખેડૂતોની માંગ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી શરૂ થઇ ગઇ છે. જોકે, તેનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં આશરે 22 જેટલા ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થનારી છે. અત્યારે જમીન સંપાદન અધિકારીઓ દ્વારા ગામે ગામ જઇને વોટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ ગ્રામજનો દ્વારા આ કામગીરીનો વિરોધ થઇ રહ્યો છે. ગત બુધવારે કોસમાડા ગામે જમીન માપણી માટે અધઇકારીઓ આવ્યા હતા જેમનો ગામનો લોકોએ વિરોધ કર્યો હતો. જ્યાં ખેડૂતોએ અધિકારીઓને જણાવ્યું હતું કે, જ્યાં સુધી વાંદા અરજીનો જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી જમીન સંપાદન કે બુલેટ ટ્રેનને લગતી કોઇપણ પ્રકારની કામગીરી અમારા ગામમાં નહીં કરવા દઇએ. ખેડૂતો સાથે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ જમીન માપણી કર્યા વગર જ અધિકારીઓ પરત ફર્યા હતા.

(6:49 pm IST)