Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બોરસદમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડવા ગયેલ પોલીસ પર ઘાતક હુમલો

બોરસદ: સીમમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર છાપો મારનાર પોલીસ પર ઘાતક હથિયારોથી હુમલો થતાં પીઆઈ સહિત ચાર પોલીસ જવાનો ઘવાયા હતા પોલીસે રોકડ, મોબાઈલ ફોન, વાહનો સહિત કુલ ૮.૧૧ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે જ્યારે પાંચ જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. પોલીસ પર કરાયેલા જીવલેણ હુમલાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને સ્થળ પરથી ચરસ જેવો નશીલો પદાર્થ પણ મળી આવ્યો છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ગૌરીવ્રતની જાગરણ નિમિત્તે બોરસદ શહેર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એવી હકિકત મળી હતી કે, અલીહુસેન બાકરઅલી સૈયદ બોરસદ સીમમાં આવેલી હનીફા સ્કુલની પાસેના એક મકાનમાં બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે, આ માહિતીના આધારે પીઆઈ એ. આર. પલાસ તથા સ્ટાફના જવાનોએ છાપો મારતાં જ યુનુસમહંમદ અલીહુસેન સૈયદ મકાનમાંથી ભાલો લઈ આવ્યો હતો અને પોલીસ જવાન અનિરૂદ્ઘસિંહ વજેસિંહને પેટના ભાગે મારી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. અલીહુસેન બીજો ભાલો લઈ આવ્યો હતો અને પીઆઈ પલાસને મારવા જતાં તેઓએ ભાલો પકડી લેતાં ડાબા હાથે ઈજાઓ થવા પામી હતી. મહંમદરફીક ઉર્ફે કાલુ કબાબ ધારીયું લઈ આવીને મારવા જતાં સંજયકુમારને ધારીયાનું પુઠું વાગ્યું હતુ. ત્યારબાદ ગડદાપાટુનો પણ માર મારવામાં આવ્યો હતો. મોઈનઅલી સૈયદ ધારીયુ, ઈશાનઅલી તલવાર તથા સાદીકઅલી મોટો છરો લઈને આવી પોલીસ સાથે ઝપાઝપી અને બુમાબુમ કરી મુકી હતી. દરમ્યાન આ છ શખ્સો ત્યાંથી હથિયારો લઈને ફરાર થઈ ગયા હતા. 
પોલીસ પર હુમલો થતાં જ સરકારી ગાડીના ડ્રાયવર ફિરોજખાને તુરંત જ આણંદ કન્ટ્રોલ અને બોરસદ શહેર પોલીસ મથકે જાણ કરતાં બોરસદથી વધુ પોલીસ કુમક તેમજ આસપાસના પોલીસ મથકો, એલસીબી, એસઓજીની ટીમો તુરંત જ બોરસદ ખાતે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા અનિરૂદ્ઘસિંહને તુરંત જ સારવાર માટે બોરસદની એક ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મકાનમાં તપાસ કરતાં રોકડા ૩૨ હજાર, ૧૭ મોબાઈલ ફોન, તવેરા, અલ્ટોકાર, યામાહા તથા પેશન બાઈક વગેરે મળીને કુલ ૮,૧૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસને અલીહુસેન સૈયદ, યુનુસમહંમદ સૈયદ તથા મોઈનઅલી સૈયદની પાસેથી પ્લાસ્ટીકની કોથળીમાં ચરસ મળી આવ્યું હતુ. જે અંગે અલગથી ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરવામાં આવી છે.

(5:26 pm IST)