Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બેટી બચાવો અભિયાન પોકળઃ ગુજરાતમાં દર બે દિ'એ પાંચથી વધુ મહિલાઓ પર બળાત્કાર

સરકાર નિષ્ક્રીય અને નિષ્ફળઃ પરેશ ધાનાણીના ચાબખા

ગાંધીનગર તા.૩૧: પૂજય ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાતી ગુજરાતની સંસ્કારની ધરતી, ગુજરાતની સનાતન અસ્મિતા અને ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજયમાં મહિલાઓ ઉપર થતાં દુષ્કર્મ, જાતિય સતામણી અને અત્યાચારની નિંદનીય ઘટનાઓથી ગુજરાતી તરીકે માથું શરમથી ઝૂકી જાય છે. સૌથી દુઃખદ બાબત એ છે કે, આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે ત્યારે આરોપીઓને છાવરવાનું કામ સરકારે કર્યુ હોવાથી ગુજરાતની નિર્ભયાઓનું આજે ચીરહરણ થઇ રહ્યું છે અને આબરૃ લુંટાઇ રહી છે ત્યારે સત્તાધારી પક્ષનું ભેદી મોૈન અકળાવનારું બની ગયું છે. તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું છે.

વિપક્ષી નેતા જણાવે છે કે રાજયમાં મહિલાઓ ઉપર થતાં અત્યાચારો  રોકવા માટે મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રીશ્રી હોય છે છતાં પણ ભુતકાળમાં ત્રણ-ત્રણ વર્ષ સુધી એક પણ બેઠક મળેલ ન હતી.આમ, રાજયના મુખ્યમંત્રીશ્રીને પણ રાજયમાં મહિલાઓ પર થતાં અત્યાચારના બનાવો બાબતે સુરક્ષા સમિતિની બેઠકો બોલાવી ચર્ચા કરવા કે પગલાં લેવામાં રસ નથી. રાજયમાં મહિલાઓની સલામતી, આરોગ્ય, સામાજિક અને આર્થિક સ્થિતિ અંગે સરકાર ગંભીર ન હોય તેવું સરકારી આંકડાઓ જોતા લાગી રહ્યું છે.

ગુજરાત સરકારના સલામત ગુજરાતના દાવા કેટલા પોકળ છે તેનો ખુલાસો રાજયમાં બનતી બળાત્કારની ઘટનાઓ પરથી થાય છે. રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૧,૮૮૭ બળાત્કારની ઘટનાઓ બની છે, એટલે કે દર બે દિવસે પાંચથી વધુ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. રાજયમાં મહિલાઓ પર થતાં બળાત્કારના બનાવો અને મહિલાઓ ગુમ થવાના આંકડાઓ રાજય સરકારની મહિલાઓ, બાળકીઓની સલામતી પ્રત્યેની નિષ્ક્રીયતા અને નિષ્ફળતા છતી કરે છે. મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો, બેટી પઢાઓનું સુત્ર આપનાર ભાજપ સરકારમાં મહિલાઓ -બાળકીઓ સલામત નથી તેવું આ આંકડા પરથી પુરવાર થાય છે રાજયમાં મહિલાઓ ગુમ થવાનો આંકડો અત્યંત ચોંકાવનારો અને ચિંતાનજક છે. છેલ્લા બે વર્ષમાં રોજની ૧૮ લેખે કુલ ૧૩,પ૭૪ મહિલાઓ ગુમ થઇ છે. 

(4:30 pm IST)