Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અમદાવદાની અપોલો હોસ્પિટલ્સમાં બ્લડ ટ્રાન્સફૂયુઝન વિના લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઃ પ્રથમ હોસ્પિટલ બની

અમદાવાદઃ અમદાવાદની અપોલો હોસ્પિટલ્સે બ્લડ ટ્રાન્સફૂયુઝન વિના લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી (લિવરનું પ્રત્યોરોપણ કરવાની શસ્ત્રક્રિયા) કરીને નવી શરૂઆત કરી છે. સર્જરી દરમિયાન બ્લડ ટ્રાન્સફૂયુઝન વિનાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હોય એવો ગુજરાત રાજયનો આ પ્રથમ કિસ્સો છે.

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદનાં પ્રોગ્રામ ડાયરેકટર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ચિરાગ જે દેસાઈએ કહ્યું હતું કે ભારતમાં દર વર્ષે ૧૫૦૦થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય છે. અંગોનું દાન કરવાની જાગૃતિ ન હોવાથી પર્યાપ્ત અંગોની અનુપલબ્ધતા, ઓપરેશનમાં ટેકનિકલ પડકારો, ઈન- હાઉસ બ્લડ બેંક સાથે સુસજજ માળખાગત સુવિધા તથા આ પ્રકારનાં દર્દીઓની ઓપરેશન પૂર્વ અને ઓપરેશન પછી સારસંભાળ રાખવા માટે યોગ્ય ટીમવર્કની જરૂરિયાત હોવાથી દેશમાં જેટલાં દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એટલી સંખ્યામાં સર્જરી થતી નથી. અપોલો હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ પોતાની કુશળતા માટે પ્રસિધ્ધ છે અને અત્યારે અમને ગુજરાતમાં બ્લડ ટ્રાન્સફૂયુઝન વિના સૌપ્રથમ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાનો ગર્વ છે.

આ નવી શરૂઆત વિશે વિગત આપતાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.લક્ષ્મણ ખીરિયાએ કહ્યું હતું કે, તાજેતરમાં અમદાવાદની અપોલો હોસ્પિટલ્સમાં મૃતક દાતાનાં શરીરમાંથી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હાથ ધરવામાં આવી હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ મનુષ્ય પર હાથ ધરવામાં આવતી સૌથી વધુ મુશ્કેલ સર્જરીઓમાં સામેલ છે. આ ઓપરેશન ૬ કલાક ચાલ્યું હતું અને સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન માટે ૮ થી ૧૦ કલાકની જરૂર પડે છે. તેમજ તેમાં ૧૦ થી ૨૦ યુનિટ બ્લડ અને બ્લડ પ્રોડકટસની જરૂર પડે છે. સર્જરી માટે ઉત્કૃષ્ટ ટેકનિક અને સુસંકલિત ટીમ વર્કથી અમે ઓપરેશન દરમ્યાન બ્લડ ટ્રાન્સફૂયુઝન વિના સર્જરી પૂર્ણ કરી શકયાં હતાં. લિવર મેળવનાર દર્દીની રિકવરી સરળતાપૂર્વક થઈ હતી અને બીજા દિવસે તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યાં હતા.

(3:44 pm IST)