Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

૨૦૦૩ સુધીમાં રજીસ્ટર થયેલા વાહનો થંભી જશે

ગુજરાત સરકાર લઇ રહી છે મોટો નિર્ણય

અમદાવાદ તા. ૩૧ : ગુજરાત સરકાર દ્વારા હાલ ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોને માર્ગ પરથી હટાવવા માટેની વિચારણા કરી રહી છે. તેવામાં માત્ર સુરતની વાત કરવામાં આવે તો સરકાર આ નિર્ણયની વિચારણા કર્યા બાદ અમલમાં મૂકે તો લગભગ ૯ લાખ જેટલા વાહનોને સુરતના માર્ગ ઉપરથી હટાવવા પડે એમ છે. તેવામાં જો આ જુના વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે તો ગુજરાતના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. તે ઉપરાંત પોલ્યુશનને લઈને પણ મોટો ફાયદો થઈ શકે છે. આમ જોવા જઈએ તો માત્ર સુરતમાં જ નવ લાખ જુના વાહનો રોડ પર દોડી રહ્યાં છે તો આખા ગુજરાતનો આંકડો કરોડોમાં પહોંચશે તેમાં કોઈ જ શક નથી.

ગુજરાત રાજય સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાત રાજયમાંથી ૧૫ વર્ષ જૂના વાહનો એટલે કે ૨૦૦૩ પહેલા રજિસ્ટર કરવામાં આવેલા વાહનો માર્ગ ઉપરથી હટાવવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે જો આપણે આંકડા પર નજર કરીએ તો. સુરત શહેરમાં ૨૦૦૩ પહેલા ૮,૯૬,૮૪૪ વાહનો રજિસ્ટર થયા છે. તેવામાં ૨૦૧૮ની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં વાહનોની સંખ્યા ૩૧,૪૮,૪૭૦ થઈ ગઈ છે, જેમાં નવ લાખ એવા વાહનો છે, જેમના પંદર વર્ષ પૂરા થઈ ગયા છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય હેતું ટ્રાફિક નિવારણ સાથે પ્રદૂષણનું લેવલ નીચે લાવવાનો છે. તે ઉપરાંત સુરત જેવી સીટીઓમાં ચાલી રહેલ સ્માર્ટ સીટીના નિર્માણમાં પણ આ નિર્ણયને સકારાત્મક અસર થઈ શકે છે.

સુરતના આરટીઓ ડીકે ચાવડાએ આ વિશે જણાવતા કહ્યું હતુ કે, 'સરકાર દ્વારા ૧૫ વર્ષ જૂના વાહનો માટે અમારી પાસે ડેટા મંગાવવામાં આવ્યા હતા જે ડેટા અમારા દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. જો કે સરકાર આ વિચારણા કરી વિચારણાનો અમલ કરે તો ખરેખર ટ્રાફિકની સમસ્યામાંથી કેટલેક અંશે છુટકારો મળી શકે ઉપરાંત સ્માર્ટ સીટીને લઇને જે પ્રદુષણની માત્રા છે એને પણ ઓછી કરવામાં મદદ મળી રહેશે.'

સરકારે દ્વારા કરેલા પંદર વર્ષ જૂના વાહનો પરના પ્રતિબંધ ઉપરાંત અન્ય પણ એક નિર્ણય પર વિચારણા કરવમાં આવી રહી છે, જે અંતર્ગત એક વ્યકિતના નામે માત્ર એક જ વાહન રજિસ્ટર કરવામાં આવે. જો સરકાર દ્વારા આ પ્રકારનો કાયદો અમલમાં મૂકવામાં આવે તો કદાચ વાહનોની સંખ્યાને કંટ્રોલ કરી શકાય તેવું હાલ આપણે અનુમાન કરી શકીએ.

જો કે, સરકાર આ નિર્ણય અમલમાં લાવશે તો રાજયભરમાંથી તેમને વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે, તેથી સરકાર હવે આ નિર્ણયને કેવી રીતે જાહેર જનતા સામે લઈને આવે છે તે જોવાનું રહેશે.(૨૧.૪)

(9:47 am IST)