Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પીઅેસઆઇને સારી સુવિધાવાળુ અને પોલીસ કોન્‍સ્‍ટેબલોને ૨ રૂમ-રસોડાવાળુ મકાન અપાશેઃ પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. સરકાર દ્વારા ગુજરાતના પોલીસ કર્મચારીઓને નવા મકાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલને બે રૂમ રસોડાવાળું મકાન આપવામાં આવશે જ્યારે પીએસઆઈને વધારે સારી સુવિધા ધરાવતું મકાન આપવામાં આવશે એવી ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓને એક રૂમનું મકાન મળતું હતું. જોકે, મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને બે રૂમ વાળા મકાન આપવામાં આવશે. જ્યારે સબ ઇન્સ્પેક્ટર કક્ષાના કર્મચારીઓના મકાનની જગ્યામાં વધારો કરીને સારી સુવિધા ધરાવતા મકાનો આપવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષનું સાડા પાંચ હજાર કરોડનું ગૃહ વિકાસનું બજેટ છે. અને ગત વર્ષે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ન થઇ હોય એવી 18,000 કરતા વધારે પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવી છે. ચાલુ વર્ષે પણ પાંચહજાર કરતા વધારે નવા પોલીસ કર્માચરીઓની ભરતીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

મોબ લિન્ચિંગ અંગે પૂછેલા પ્રશ્ન પર તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવા પ્રકારની કોઇપણ ઘટનાને અંજામ આપનાર અને કાયદાને હાથમા લેનાર સામે કડકાઇ પૂર્વક કાર્યવાહી કરાવમાં આવશે. આવા લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને સજા અપાવવામાં સરકારે કચાસ રાખી નથી અને કચાસ રાખવામાં આવશે પણ નહીં. કોઇપણ ઘટના મોબ લિંન્ચિગના સ્વરૂપમાં ઘટશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે મોબ લિંન્ચિગ અંગેની કેટલીક માર્ગ દર્શક સૂચનાઓ આપવામાં આવી છે જેનો ચુસ્ત પણે અમલ કરવામાં આવશે.

ગુજરાતના પોલીસ આવાસો અંગે તેમણે જણાવ્યં હતું કે, ગુજરાત પોલીસ આવાસ નિગમ વર્ષોથી કામ કરી રહ્યું છે. ગુજરાતની જર્જરીત પોલીસ લાઇનો અને પોલીસ સ્ટેશનોની ઇમારતો અંગે આગામી બે વર્ષોમાં મહત્તમ કામ કરીશું.

ઉલ્લેખનીય છે કે, લગભગ આઠ કરોડના ખર્ચે બનેલી ગુજરાત પોલીસ આવાસ નિગમની કચેરીનું વિવિધ નેતાઓ અને સમાજના આગેવાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.

(6:25 pm IST)