Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં જ ગંભીર આક્ષેપોઃ ગાડી કે બંગલો લેવાના પૈસા ન હતા તો અમદાવાદમાં પાંચ કરોડનો બંગલો કેવી રીતે લીધોઃ તાલુકા પંચાયતના ચેરમેન સુરેશ ઠાકોરના આક્ષેપો

રાધનપુરઃ રાધનપુરના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે રાધનપુરના જ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ભ્રષ્‍ટાચારના ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.

રાધનપુર તાલુકા પંચાયતના ચેરમેને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપર કોંગ્રેસમાં પોતાની મનમાની કરતા હોવાનો આરોપ લાગાવ્યો છે. અલ્પેશ ઠાકોરના કારણે જ તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો છેડો પકડવો પડ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દારૂબંધી અને વ્યસન મુક્તી અભિયાનને લઇને ચાલનારા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય સામે જ રાધનપુરમાંથી ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

રાધનપુર તાલુકા પંચાયતના  કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના કારણે અમે કોંગ્રેસ છોડ્યું છે. અલ્પેશ ઠાકોર સોલાર પાર્કમાં પણ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર તેમના પીએ હાર્દિક ત્રિવેદી દ્વારા રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે.

હાર્દિક ત્રિવેદી હમણા નવી ગાડી લાવ્યા છે. આટલા દિવસથી તેમની પાસે ગાડી લાવવાના પૈસા ન્હોતા તો અત્યારે ગાડી ક્યાંથી આવી. અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં પાંચ કરોડનો બંગલો લીધો છે એ પણ ક્યાંથી આવ્યો. એટલે અલ્પેશ ઠાકોર કહેતા હોય કે હું દુધે ધોયેલો છે તો એ ખોટી વાત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં પોતાની મનમાની કરી રહ્યા છે. કોઇ સભ્યોનું સાંભળતા ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.અલ્પેશ ઠાકોર પાટણ જિલ્લા પંચાય અને રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપમાં જવું પડ્યું છે.

(6:24 pm IST)