Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

હાઈકોર્ટે વિપક્ષની નકારાત્મક માનસિકતાની આલોચના કરી

કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહે પ્રતિભાવ આપ્યો : કોર્ટની જાહેરહિતની અરજીનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની કામગીરીની વધુ સુધારણા માટેનો છે : કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ,તા.૩૧ : કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટે કોવિડ-૧૯ના સંદર્ભમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પરની પોતાની અંતિમ સુનાવણીમાં જે અવલોકનો કર્યા છે તેમાં વિપક્ષની કરેલી આલોચના અંગે પ્રતિભાવો આપતા કહ્યું કે આ અવલોકનો એ દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરી આપ્યું છે. કાયદા રાજ્ય મંત્રીએ આ અવલોકનો અંગે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટે લીધેલા અસરકારક પગલાંઓની સરાહના કરી છે ત્યારે હવે સરકારને બદનામ કરવાના વિપક્ષના ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે. તેમણે હાઈકોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને જસ્ટિસ પારડીવાલાએ કરેલ અવલોકન અને ટિપ્પણીઓની વિગતવાર ભૂમિકા આપતા જણાવ્યું કે, કોવિડ-૧૯ને લગતી પીઆઈએલમાં પ્રથમવાર જાહેર હિતની અરજીના અવકાશને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ખાસ કરીને કોર્ટના આદેશોના આધારે કોવિડ-૧૯ મામલે થઈ રહેલા રાજકારણના સંદર્ભમાં ખૂબ સખત વલણ અપનાવ્યું છે. અદાલતે દરેક બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક અવલોકન પણ કર્યું છે.

           કાયદા રાજ્ય મંત્રીએ આ અવલોકનો અંગે વધુમાં જણાવ્યું કે, અદાલતે એમ સ્પષ્ટપણે નોંધ્યું છે કે, રાજ્ય સરકારે જાહેર હિતમાં આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો છે. હવે જેની જરૂર છે તે અવેરનેસ, સાવચેતી અને સક્રિય રહેવાની છે. હાઈકોર્ટે સોશીયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી બિનજરૂરી ચર્ચાઓ અને ટિપ્પણીઓ પર વ્યથા વ્યક્ત કરી છે. કેમ કે સમય-સમય પર લોકોના વ્યાપક હિત માટે લેવામાં આવેલા નિર્ણયોનો અમુક રાજકીય વિરોધ ના હેતુ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ હાઇકોર્ટે પી.આઇ.એલ સંદર્ભે પણ જણાવ્યું છે કે, પીઆઈએલ રાજકીય લાભ મેળવવા માટે નથી. જાહેર હિતની અરજી કરીને ક્યારેય રાજકીય લડાઇ ન લડવી જોઈએ. આથી, કોઈ પણ આ મુદ્દે રાજકારણ ન કરે તે જરૂરી છે. સરકારની માત્ર ટીકા કરવાથી કોવિડ-૧૯ના લોકોનો કોઇ જાદુઈ ઇલાજ નહીં થાય અને મૃત્યુ પામેલ લોકો જીવંત નહીં બની શકે. જાહેર હિતમાં સમયાંતરે પસાર થતા કોર્ટના આદેશ સંદર્ભે કોઈપણ ટિપ્પણી કરવા અથવા કોઈપણ ચર્ચામાં પ્રવેશતા પહેલા હવેથી કોર્ટે વિપક્ષ સહિત બધાને ખૂબ કાળજી રાખવાની વિનંતી કરી છે. એવા લોકો કે જેઓ આ મુશ્કેલ સમયમાં પોતાનો  હાથ મદદ કરવા લંબાવી શકતા નથી અને લોકો માટે કંઈ પણ સારું કરી શકતા નથી તેમને રાજ્ય સરકારની કામગીરીની ટીકા કરવાનો કોઈ અધિકાર જ નથી. આ ઓર્ડર અમે ક્લોઝ કરીએ તે પહેલા, હાલ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ચાલી રહેલી બિનજરૂરી અને નાહકની ચર્ચાઓ તેમજ ટિપ્પણીઓ માટે અમે અમારી વેદના વ્યક્ત કરવા માંગીએ છીએ. અમને જાણવા મળ્યું છે કે વખતોવખત જનહિત માટે આપવામાં આવેલા અમારા આદેશોનો કેટલાંક આડા હેતુઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. અમારા અભિપ્રાય મુજબ, જાહેરહિતની અરજી એ લોકો માટે છે જેઓ એકલવાયા અને નિરાધાર છે તેમજ એ લોકોના ફાયદા માટે છે જેઓ પોતાના સામાજિક પછાતપણાને કારણે કોર્ટ સુધી પહોંચી શકતા નથી. અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે આ જાહેરહિતની અરજીઓ કોઈ રાજકીય લાભ કે રાજકીય માઇલેજ મેળવવા માટે પણ નથી. જાહેર હિતની અરજીઓને ક્યારેય પણ રાજકીય લડાઇનું સાધન બનાવવું જોઇએ નહીં. આ કટોકટીભરી પરિસ્થિતિમાં આપણે એકબીજાનો સાથ આપવો જોઇએ, એકબીજા સાથે ઝઘડવું ન જોઇએ.

           કોવિડ-૧૯ની આ કટોકટી એક માનવીય સંકટ છે, કોઇ રાજકીય કટોકટી નથી. પરિણામે, આ મુદ્દે કોઈપણ વ્યક્તિ રાજકારણ ન કરે તે જ સૌથી વધુ હિતાવહ છે. કોવિડ-૧૯ સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓ અને અર્થતંત્ર પરની તેની ગંભીર અસરોને જોતાં સરકાર તેની નીતિઓમાં યોગ્ય સુધાર કરે એ અતિશય મહત્વપૂર્ણ છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે વિપક્ષનું કામ સરકારના દરેક કાર્ય પર નજર રાખીને તેમને ટકોરવાનું છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં, ટીકાત્મક રીતે બોલવા કરતા સરકારને સહયોગ કરવો વધારે ફાયદાકારક રહેશે. શાસકપક્ષની સરકારની ટીકા કરવા માત્રથી ચમત્કારિક રીતે કોવિડ-૧૯ના દર્દીઓ સાજાં નહીં થઈ જાય અને તેનાથી મૃત્યુ પામેલા લોકો પણ પાછા જીવતા થવાના નથી. આ મહામારી લોકોના આરોગ્ય, સલામતી અને સુખાકારી માટે જોખમી છે અને આ કટોકટીથી કોઈને પણ લાભ નથી થઈ રહ્યો. આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી આ મહામારીએ વ્યાપક રીતે લોકોમાં જે પીડા અને દુઃખ પેદા કર્યા છે તે આખીવાતનું મહત્વ જ આપણે ઓછું કરી નાખીશું. લોકોના જીવ બચાવવા અને લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યની ઉપર રાજકારણ અને રાજકીય હિતોને ક્યારેય મૂકી શકાય નહીં.

(10:12 pm IST)