Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ભેટાસી-વાસદ રોડ પર બપોરની વેળાએ બે બાઈક અથડાતા એક ચાલકનું મોત: બેને ગંભીર ઇજા

ભેટાસી:ભેટાસી-વાસદ રોડ ઉપર ગઈકાલે બપોરના સુમારે બે બાઈકો સામસામે ભટકાતા એકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ જ્યારે બેને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને બાઈક ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર આંકલાવ ખાતે રહેતો અને ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવતો સદ્દામહુસેન રહીમખાન રાજ ગઈકાલે આમરોલ ગામેથી બાઈક નંબર જીજે-૨૩, ડીસી-૩૯૯૧ ઉપર અર્જુનભાઈ લ-મભાઈ ગોહેલને બેસાડીને વાસદ જવા નીકળ્યો હતો. દરમ્યાન પોણા બે વાગ્યાના સુમારે ભેટાસી-વાસદ રોડ ઉપર આવેલા વણાંક પાસે સામેથી આવી ચઢેલા બાઈક નંબર જીજે-૦૭, સીકે-૭૭૪૨ની સાથે ભટકાતા ત્રણેય જણા રોડ ઉપર પટકાયા હતા. જેમાં બાઈક ચાલક કિરિટભાઈ પઢિયાર (ઉ. વ. ૨૧)ને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે સદ્દાહુસેન અને અર્જુનભાઈને ભેટાસી અને ત્યાંથી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન કિરિટભાઈ પઢિયારનું અવસાન થયું હતુ. આંકલાવ પોલીસે આ અંગે સદ્દામહુસેનની ફરિયાદ લઈને તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:52 pm IST)