Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલમાં ટેરેસ પર આગ : ભારે દોડધામ

ધાબા પર શેડ્સ દૂર કરવાની કામગીરી વેળા આગ : શાળાના ફાયર સેફ્ટીના સાધનો અને ફાયરની મદદથી આગ પર અંકુશ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઇ

અમદાવાદ, તા.૩૧ :     શહેરના મણિનગર વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં ધાબા(ટેરેસ) પર આજે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે સમયસર પગલાના પરિણામ સ્વરૂપે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બનાવથી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આગના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ધાબા પર ગેરકાયદે શેડ્સ અને સ્ટ્રકચર દૂર કરતી વખતે જ અચાનક સ્પાર્ક થતાં તે દરમ્યાન જ આગ લાગી હતી. જો કે, શાળાના ફાયર સેફ્ટીના સાધનો અને ફાયરની મદદથી આગ કાબૂમાં લઇ લેવાઇ હતી. વળી, સદનસીબે શાળામાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. હાટકેશ્વર-ઈસનપુર ઘોડાસર જતા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબિજના છેડે આવેલ સેવન્થ ડે સ્કુલના ધાબા પર શેડ દૂર કરવાની કામગીરી દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. શાળાના ધાબા પર લગાવેલ શેડ ને હટાવતા સમયે વેલ્ડીંગ વખતે સ્પાર્ક થતા ભડકો થયો હતો અને આગ લાગી હતી. ફાયર સેફટીના સાધનોથી ધાબા પરની આગ ને ત્વરિત કાબૂમાં લેવાઈ હતી તેમજ ફાયર વિભાગને જાણ કરી તેની પણ મદદ લેવાઈ હતી. જો કે, સવારે સાત કલાક પહેલા લાગેલ આગ સમયે શાળા સંકુલમાં વિદ્યાર્થીઓની હાજરી નહી હોવાથી મોટી રાહત થઈ હતી. ફાયરબ્રિગેડના જવાનો અને શાળામાં રખાયેલા ફાયરસેફ્ટીના સાધનોની મદદથી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. મોટી દુર્ઘટના ટળી જતાં શાળા સંચાલકોની સાથે સાથે તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમા સુરતના સરથાણામાં તક્ષશિલા બિલ્ડિંગમાં ક્લાસિસમાં આગ લાગવાથી ૨૩ છાત્રોના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં નગરપાલિકા અને કોર્પોરેશને તમામ ગેરકાયદે બિલ્ડિંગો અને શેડ નાંખીને શરૂ કરેલી હાટડીઓ પર ઘોંસ બોલાવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આજે સેવન્થ ડે સ્કૂલમાં પણ આ કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન બનાવ બન્યો હતો.

 

(8:07 pm IST)