Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

પાલનપુર કોઝી વિસ્તારમાં કોટક મહિન્દ્રા બેંકમાં શોર્ટસર્કીટને કારણે આગ ભભુકતા અફરાતફરી

ટ્રેક્ટરના લોન વિભાગમાં આગ લાગી: લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

 

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આગની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે શહેરના પોલીસ હેડ ક્વાર્ટ્સના એક ક્વાર્ટરમાં મોડી સાંજે આગ ભભૂકી હતી ત્યારે આજે  બપોરના સમયે શહેરના કોઝી વિસ્તારમાં આવેલી કોટક બેન્કમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

  બેન્કના ટ્રેક્ટરના લોન વિભાગમાં આગ લાગી હતી અને લોન વિભાગમાં કેટલાક વીજ વાયરો ખુલ્લા હોવાને કારણે આગ લાગી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે બેન્કમાં લાગેલી આગની ઘટનાને લઇ બેન્ક બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

  ઘટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરતાં ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને લઈ સમગ્ર બેન્કના કોમ્પ્લેક્સમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(12:06 am IST)