Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

તંબોળિયા નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા ચકચાર

કેનાલમાં ગાબડાના રીપેરિંગમાં ભારે ઉદાસીનતા : પ્રથમ વરસાદમાં જો કેનાલ તૂટશે નજીકના ગામોને ખતરો રહેશે : સ્થાનિક ગ્રામ્યજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ

અમદાવાદ,તા. ૩૦ : પાટણના હારીજ તાલુકાના તંબોળીયા ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના દરવાજાઓની આગળ જ ૫૦ ફૂટ ઉપરાંતનું મસમોટું ગાબડું પડતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે કારણ કે, આ ગાબડાને લઇ હવે ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ થાય તો આખા તંબોળિયા ગામને ખતરો થઈ શકે છે. કેનાલના ગાબડા બાદ પણ સરકારીબાબુઓ અગાઉથી કોઈ પગલા ભરવા તૈયાર નથી અને સરકારનું કાંઇ સંભળાતું ના હોય તેવું દેખાઈ રહ્યું છે. કેનાલના આટલા મોટા ગાબડાના રેપરીંગનું કામ પણ અધ્ધરતાલ રહેતાં હવે સ્થાનિક ગ્રામજનોમાં તંત્રના આટલા ગંભીર બેદરકારીભર્યા અને નિષ્ક્રિય વલણને લઇ હવે રોષની લાગણી જોવા મળી રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ મુખ્ય કેનાલ તંબોળિયા નજીક સીઆરસાંકળ ૩૩૩.૮૪૮ નંબર પર આવેલા દરવાજાની ધમધમતા પ્રવાહની બહાર ૫૦ ફુટ મોટું ગાબડું પડેલું છે. જેના કારણે છેલ્લા બે માસથી બ્રાન્ચ કેનાલમાં પણ પાણી બંધ છે. કેનાલના ગાબડાને રીપેરીંગને લઇ નર્મદા કેનાલના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં પડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો પ્રથમ વરસાદ આવતાની સાથે જ કેનાલ તુટે તો ૨૦૧૭ની અતિવૃષ્ટિમાં ખારીયા ગામની કેનાલ તૂટતા જે પરિસ્થિતિ થઈ હતી તેના કરતા પણ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી ગંભીર દહેશત સર્જાઇ છે. કેનાલમાં પડેલા ગાબડાનું રિપેરિંગ કરી અગાઉથી પગલા ભરવામાં આવે તેઓ તંબોળિયાના ગ્રામજનો માંગ કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક સરકારી તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. તંત્રના અધિકારીઓ પોતાની ફરજ અને જવાબદારી પરત્વે ગંભીર ઉદાસીન અને નિષ્ક્રિયપણે વર્તી રહ્યા છે ત્યારે જો ચોમાસા દરમ્યાન કોઇ અનિચ્છનીય દુર્ઘટના કે અકસ્માત સર્જાયો તો તેના માટે જવાબદાર કોણ તે સહિતના ગંભીર સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે.

(8:31 pm IST)