Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

રાજ્યમાં લોકો વધતી જતી ગરમી, લૂ-હીટવેવથી ત્રસ્ત

રાજ્યમાં હીટસ્ટ્રોકથી બે દિનમાં ૯૫થી વધુ બેભાન : જૂનાગઢમાં ૪૮ કલાક માટે યલો એલર્ટ : અનેક વિસ્તારો હીટવેવની અસરમાં : કંડલા એરપોર્ટ ખાતે ૪૨.૭ ડિગ્રી

અમદાવાદ,તા. ૩૧ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ નોંધનીય રીતે વધતો જાય છે. ગરમીનો પારો ઉંચો જતાં અમદાવાદ શહેર સહિત રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં ભઠ્ઠીમાં શેકાવાનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. આજે જૂનાગઢમાં ગરમીનો પારો ૪૧.૮ ડિગ્રી પર પહોંચતા જૂનાગઢ મહા નગરપાલિકા દ્વારા જૂનાગઢમાં આગામી ૪૮ કલાક માટે યલો એલર્ટ જાહેર કરાયું હતું. રાજયના ઘણા ભાગોમાં આજે હીટવેવની પણ અસર જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં આજે ૪૧.૪ ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. સમગ્ર રાજ્યમાં ગઇકાલે ઈમરજન્સી સેવા ૧૦૮માં ગરમીને લગતા કુલ ૪૧૪ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલા કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં એક જ દિવસમાં ૧૮ લોકો જ્યારે રાજ્યભરમાં ૭૭ લોકો ગરમીને કારણે બેભાન થઇ ગયા હતા. એટલે કે, રાજયભરમાં હીટસ્ટ્રોક અને હીટવેવના કારણે ૯૫ લોકો બેભાન થઇ ગયા હતા. તો ગરમીની અસર કેટલી હદે વધી રહી છે તે નાગરિકોના જનજીવન અને આરોગ્ય પર પડી રહેલી અસર પરથી પણ અંદાજ માંડી શકાય છે. અમદાવાદમાં ગરમીના કારણે ૨૪ લોકોને પેટમાં અસહ્ય દુખાવાની, ૧૩ વ્યક્તિને છાતીમાં દુખાવાની, ૧૪ લોકોને ચક્કર આવતા પડી જવાના કિસ્સા સામે આવ્યા હતા. ગઇકાલે રાજ્યના ૯ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઇ ગયો હતો, જેના પરિણામે રાજયના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ અને હીટસ્ટ્રોકની અસર જોવા મળી હતી. બીજીબાજુ, ગરમીના પ્રકોપને જોતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પણ સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બે હજાર જેટલા પ્રાણીઓને લૂ ના લાગે તે માટે ગ્રીનનેટ, કુલર અને સતત પાણીના છંટકાવની કામગીરી દ્વારા તાપમાન ઘટાડવાની કવાયત હાથ ધરાઇ છે. આ અંગે ઝૂના અધિકારીઓએ જણાવ્યા મુજબ આ વખતે ગ્રીન નેટની સંખ્યા વધારાઇ છે. જેના કારણે ૭ ડિગ્રી સુધીનું તાપમાન ઘટાડી શકાય છે. વાઘ, સિંહ, દીપડાના પાંજરા તેમજ સર્પગૃહમાં મળીને કુલ ૨૫ કુલર્સ પણ મૂકવામાં આવ્યા છે. હાલમાં પાણીના હોઝ ભરી રાખવા, સતત નિરિક્ષણ રાખવું, પશુ-પક્ષીઓની ડૉક્ટરી તપાસ કરાવતા રહેવા જેવા તકેદારીના પગલા આરંભી દેવાયા છે. જયારે ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચશે ત્યારે પ્રાણીઓને લૂ ન લાગે તે માટે તેમના પીવાના પાણીમાં દવાનું મિશ્રણ કરાશે. બીજીબાજુ, રવિવારથી મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થવાની શકયતા હવામાન ખાતા દ્વારા વ્યકત થઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. એકબાજુ પાણીની તકલીફ પહેલાથી જ અનુભવાઈ રહી છે ત્યારે આ વખતે ગરમી વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.  તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. આજે અમદાવાદમાં પારો આજે ૪૦.૮ ડિગ્રી રહ્યો હતો. લોકો વધતા જાતા તાપમાન કારણે પરેશાન થયેલા છે. ગાંધીનગરમાં આજે પારો મહત્તમ તાપમાનમાં ૪૧ ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે ત્યારે તંત્ર દ્વારા પણ ગરમીથી બચવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાઓએ પાણીની પરબો શરૂ કરવામાં આવી ચુકી છે. સાથે સાથે જાહેર સ્થળો પર પાણીના જગ પણ મુકવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ પર પણ પાણીના જગ મુકાયા છે. ગરમીના લીધે માથામાં દુખાવા અને પેટમાં દુખાવાની ફરિયાદ પણ આજે લોકોએ કરી હતી. ગરમીના પ્રમાણમાં વધારો થતાં અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૦.૮

ડિસા................................................................. ૪૧

ગાંધીનગર........................................................ ૪૧

ઇડર................................................................. ૪૧

વડોદરા......................................................... ૩૯.૬

સુરત............................................................ ૩૨.૨

અમરેલી........................................................... ૪૧

ભાવનગર..................................................... ૩૭.૪

પોરબંદર....................................................... ૩૫.૪

રાજકોટ......................................................... ૪૧.૫

સુરેન્દ્રનગર.................................................... ૪૨.૩

ભુજ.............................................................. ૩૯.૬

નલિયા.......................................................... ૩૬.૪

કંડલા એરપોર્ટ................................................ ૪૨.૭

કંડલા પોર્ટ..................................................... ૩૮.૬

મહુવા........................................................... ૩૪.૪

દિવ    ૩૨.૨

(8:17 pm IST)